Western Times News

Gujarati News

ભરૂચના દેરોલ ગામેથી ૧.૪૦ લાખના એમ.ડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ : એક ફરાર.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લામાં નવા પોલીસવડાની તવાઈથી હાલ દારૂના વેપલા ઉપર રોક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.નશીલા પદાર્થોના સોદાગરો હવે ડ્રગ્સ તરફ વળ્યા હોય તેમ દેરોલ ગામેથી ૧.૪૦ લાખના ૧૪ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો છે જ્યારે એક ફરાર થઈ ગયો છે.
ભરૂચમાં દારૂ,જુગાર સાથે નશીલા પદાર્થોના વેપલાને નાબૂદ કરવા જીલ્લા પોલીસ હાલ સર્ચ, રેડનો ધમધમાટ ચલાવી રહી છે.

ભરૂચ તાલુકા પી.આઈ એન.વી. ભરવાડની સુચના મુજબ પો.સ.ઈ એન.જે. ટાપરિયા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ તથા હે.કો. જશવંતભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તો દરમ્યાનદેરોલ ગામે શાલીમાર સોસાયટી નવીનગરી ખાતે બાતમી આધારે રેઇડ કરતા એક યુવાનની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ૧૪.૦૮ ગ્રામ કિંમત રૂપિયા ૧ લાખ ૪૦હજારનો જથ્થો મળી આવ્યો હતો.

એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ઇલ્યાસ અલી મલેકની ડ્રગ્સના જથ્થા, મોબાઈલ, રિચારજેબલ વજન કાંટો સાથે ધરપકડ કરાઈ હતી. જ્યારે ઇમરાન ઉર્ફે મસ્તાનને વોન્ટેડ જાહેર કરાયો હતો.દારૂના વેપલામા વધુ રિસ્ક, પોલીસની ભારે ઘોંચ, પકડાઈ જવાની પૂરેપૂરી શકયતા, છુપાવીને માલ લાવવા અશક્ય હોય અને આ વેપલામાં મળતર ઓછું હોવા સહિતની બાબતોને લઈ હવે ડ્રગ્સનો વેપલો ફૂલી ફાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ડ્રગ્સ માફિયાઓ તેમનું નેટવર્ક વધારી તેમાં યુવાનોને વધુ રૂપિયા કમાઈ લેવાની  લાલચમાં જોડાઈ રહેલા છે. જેમાં ડ્રગ્સ ગમે ત્યાં નાના પડીકી પડીકામાં છુપાવી શકતા હોય અને વધુ રૂપિયા મળતા હોય ડ્રગ્સનું નેટવર્ક ફૂલીફાલી રહ્યું છે.ભરૂચ પોલીસે મક્કમતા બતાવી છે કે, ડ્રગ્સની બદીને જીલ્લામાં ક્યારેય ઘર કરવા દેવામા આવે નહિ. ડ્રગ્સ માફિયા, સોદાગરો અને કેરિયરો ઉપર પોલીસ સતત નજર રાખી તેને નાબૂદ કરવામાં કાર્યશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.