જંબુસર BAPS દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઈ

(વિરલ રાણા) ભરૂચ,
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત વ્યસન મુક્તિ રેલી મંદિરથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી અને સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવ્યો હતો.
વિશ્વ વંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક ધાર્મિક સામાજીક કાર્યક્રમો કરવામાં આવનાર છે.
જે અંતર્ગત પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તેમજ બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા આયોજીત વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અંતર્ગત સંસ્થાના ૪૦૮ થી વધુ બાળકો અને બાલિકાઓ દ્વારા ૩૮૧૯૪ થી વધુ લોકોનો સંપર્ક કરી તેમનું જીવન નિર્વ્યસની બની આદર્શ જીવન જીવવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો છે.
વ્યસન મુક્તિ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે જંબુસર શહેરના બીએપીએસ મંદિર થી વ્યસન મુક્ત રેલીનું ધારાસભ્ય જંબુસર સંજય સોલંકી દ્વારા પૂજા અર્ચન કરી સંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું.જેમાં જ્ઞાાનવીરદાસ સ્વામી,યજ્ઞ જીવનદાસ સ્વામી, સૌમ્યમૂર્તિ સ્વામી સહિત આગેવાનો હાજર રહી દર્શન પૂજનનો લાભ લીધો હતો.
સદર વ્યસનમુક્તિ રેલી મંદિરથી કાવાભાગોળ, લીલોતરી બજાર,ઉપલી વાટ,કોટ બારણા, સોની ચકલા, ટંકારી ભાગોળ થઈ પરત મંદિર ખાતે પહોંચી હતી.રેલીમાં ૧૭ ઉપરાંત ફ્લોટ શણગારી વ્યસન મુક્તિ ,પ્રકૃતિ સંવર્ધનનો સંદેશો વ્યાપક બનાવ્યો હતો.
મયુર રથમાં બિરાજીત ભગવાન સ્વામિનારાયણ સહિત વિવિધ શણગારેલા રથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને જંબુસર નગરમાં નીકળેલ વ્યસનમુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન રેલી દ્વારા સૌને વ્યસન મુક્ત બનાવવાનો તથા વિજળી પાણી બચાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો.રેલીમાં મોટી સંખ્યામાં બેએપીએસ હરિભક્ત ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.