Western Times News

Gujarati News

મોદી સરકારનો દિલથી આભાર માનતા શ્રી સિકંદરખાન પઠાણ

૪૭ વર્ષથી નળિયાવાળું ઘર હતું, શિયાળામાં અને ચોમાસામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો, હવે પાકું મકાન મળવાથી મને શાંતિ થઇ છે લાભાર્થી શ્રી સિકંદરખાન મિરસાખાન પઠાણ

આણંદ, ‘‘ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બસ એક ફોર્મ ભરો, ગ્રામ પંચાયતમાં જાવ, તલાટીને મળો, ફોર્મ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં જાય, અધિકારીઓ આવે, ચેકીંગ કરી જાય અને તરતજ તબકકાવાર તમને સહાય મળી જાય એટલે કોઇપણ જાતની તકલીફ વગર, કોઇપણ જાતના આંટા-ફેરા કર્યા વગર સહેલાઇથી પાકું મકાન તૈયાર થઇ ગયું અને હવે અમે પાકા મકાનમાં રહીએ છીએ જેથી હું ખરા દિલથી સરકારના અધિકારીઓ, સરકારની આ યોજનાનો, રાજય સરકારનો અને દેશની મોદી સરકારનો આભાર માનું છું. ’’

આ શબ્‍દો છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી એવા આણંદ તાલુકાના જોળ ગામના ૬૪ વર્ષિય રહેવાસી શ્રી સિકંદરખાન મિરસાખાન પઠાણના. આણંદ તાલુકાના જોળ ગામે રહેતા સિકંદરખાન પઠાણના ઘરના ઘરનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં સાચા અર્થમાં સાકાર થયું છે.

સિકંદરખાને તેમને મળેલ આવાસ યોજનાના લાભની વાત કરતાં જણાવ્‍યું હતુ કે, હું અહીં ૧૯૭પથી રહું છું, મારે પહેલાં કાચું-નળિયાવાળું ઘર હતું. જેમાં શિયાળામાં અને ચોમાસામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો. મારી નાનકડી ચીકન શોપની દુકાન છે, જેથી મારી એટલી બધી આવક પણ નહોતી કે હું પાકું મકાન બનાવી શકું.

પણ સરકાર અમારી વ્‍હારે આવી અને સરકારે સાચા અર્થમાં ગરીબોની બેલી બની મારી મદદ કરી છે. શ્રી પઠાણ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પાકી છતના કારણે મળેલા કાયમી સરનામું બદલ પોતાની ખુશી વ્‍યકત કરતાં કહે છે કે, અમારા જેવા અસંખ્‍ય ગરીબ પરિવારો કે જેઓ ગામડામાં કાચા ઝૂંપડામાં રહે છે તેમને ચોમાસામાં ઘણી તકલીફો પડે છે તેઓને હું કહું છું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લો.શ્રી પઠાણ માને છે કે,  મારા જેવા ગરીબ પરિવારો માટે સમગ્ર દેશમાં સરકારે આવા કેટલાંય લોકોને લાભ આપ્‍યો હશે ખરેખર આ એક રીતે તો સેવાનું જ કામ સરકાર કરી રહી છે.

શ્રી સિકંદરખાન પઠાણની આ મુલાકાત દરમિયાન તેમના પત્‍ની રૂકસાનાબહેને તેમની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, આજે અમે કેમ ખુશ ન હોઇએ, ૪૭ વર્ષથી અમે કાચા મકાનમાં રહેતા, નળિયાવાળું મકાન હતું, ચોમાસામાં પાણી પડતું હતું, તકલીફ પડતી હતી. જે તકલીફ સરકારે દૂર કરી તો સરકારનો આભાર તો માનવો જ જોઈએ ! સરકારની આ યોજનાના અધિકારીઓ એટલું સરસ રીતે કામ કરે છે કે,

ગામડાના અમારા જેવા ગરીબ માણસ તેનો લાભ લઇ શકયા છીએ માટે અમે તથા અમારા ઘરના પણ બધાં ખુશ છે.નોંધનિય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણએ અનેક પરિવારોને પોતાના સ્‍વપ્‍નનું ઘર સાકાર કરવાનો મહત્‍વનો ભાગ ભજવ્‍યો છે, અને લાખો ઘરવિહોણા તથા કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પાકું આવાસ તથા કાયમી સરનામું આપીને તેઓનું જીવનધોરણ ઊંચું લાવવાની સાથે જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું છે, તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.