AMC ના ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ-2026’ અંતર્ગત PPP-CSR અને CER સંસ્થાઓ સાથે MOU થયા
વૃક્ષારોપણથી લઈને 1 લાખ વૃક્ષોની જાળવણી અને 50 હજાર ચોરસ મીટરમાં અર્બન ફોરેસ્ટ વિકાસ સુધીની કામગીરી હાથ ધરાશે*
અમદાવાદ. (પ્રતિનિધિ) વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ-2026’ અંતર્ગત શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
આ અંતર્ગત 5 જૂન 2026ના રોજ પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં સાનિધ્ય સ્ટેટ્સની બાજુમાં આવેલા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૃક્ષરથને ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ PPP, CSR અને CER સંસ્થાઓ સાથે એમઓયુ (MOU) અર્પણ વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં હરિયાળી વિસ્તાર વધારવા અને પર્યાવરણલક્ષી વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ ભાગીદારી હેઠળ સંસ્થાઓને ફાળવવામાં આવેલી કામગીરી અનુસાર શહેરમાં વૃક્ષારોપણ, ઓક્સિજન પાર્ક, અર્બન ફોરેસ્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવશે.
આ અંતર્ગત પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસ લિમિટેડ દ્વારા શહેરમાં ઓક્સિજન પાર્કનું ડેવલપમેન્ટ કરવામાં આવશે અને તેની આગામી પાંચ વર્ષ સુધી જાળવણી પણ કરવામાં આવશે. હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટદ્વારા 10 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે, તેમજ તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની જવાબદારી પણ સંસ્થા સંભાળશે. આ જ રીતે સદભાવના વૃદ્ધાશ્રમ (માનવ સેવા ચેરીટેબલ) દ્વારા પણ 10 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે.
પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સમિતિ દ્વારા 25 હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ તથા ત્રણ વર્ષ સુધી તેની જાળવણી હાથ ધરાશે, જ્યારે કેચ ફાઉન્ડેશન દ્વારા એક લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ અને તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરમાં હરિયાળા વિસ્તારો વધારવા માટે ક્રેડાઈ અમદાવાદ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચવવામાં આવનાર 50 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગાર્ડન ડેવલપમેન્ટ, ગાર્ડન રી-ડેવલપમેન્ટ અથવા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા જેડ બ્લુ કંપની દ્વારા અમદાવાદ શહેરના પાંચ મુખ્ય સ્થળો પર ક્લોથ રિસાયક્લિંગ બૂથ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ શહેરના વિવિધ ઝોનમાં ટ્રી-પિટ્સ બનાવવાની કામગીરી પણ જેડ બ્લુ કંપની દ્વારા હાથ ધરવામાં આવશે. શહેરના સૌંદર્યીકરણ અને હરિયાળા માર્ગોના વિકાસ માટે ક્રેસ્ટ ડેટા દ્વારા CSR અંતર્ગત YMCAથી રિંગ રોડ સુધી થીમેટિક રોડ ડેવલપમેન્ટ માટે સહયોગ આપવામાં આવશે.
