પીપળાના વૃક્ષનું વાવેતર કરીને સૌને પાણી-પેટ્રોલ-ઊર્જા બચાવવા અને વૃક્ષારોપણ કરવાનો સંદેશ આપ્યો મુખ્યમંત્રીએ
વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને બેક ટુ બેઝિકથી આગળ ધપાવવા રોજીંદા જીવનમાં પર્યાવરણ આધારિત જીવન શૈલી અપનાવીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
એક પેડ માં કે નામ 3.0’ અંતર્ગત રાજ્યભરમાં 551.91 લાખ રોપાઓનું વાવેતરનું વન વિભાગનું આયોજન
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ 3.0” વૃક્ષારોપણ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત ગાંધીનગરથી કરાવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાને હરિયાળી કરવાના પર્યાવરણ પ્રિય અભિગમથી 2024થી આ એક પેડ માં કે નામ અભિયાન શરુ કરાવ્યુ છે.
વડાપ્રધાનશ્રીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ 3.0”નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો.
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન ફાઈવ મિલિયન ટ્રીઝના શુભારંભ અંતર્ગત વૃક્ષારોપણ અને શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરીને ફ્લેગ-ઑફ઼. https://t.co/VHDwwymsJ8
— CMO Gujarat (@CMOGuj) June 5, 2026
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના ‘જ‘ રોડ પર આવેલા લોકભવન સ્ટાફ ક્વાટર્સની બાજુમાં આશરે 0.5 હેક્ટર વિસ્તારમાં કુલ 5000 જેટલા રોપાઓનું વાવેતર “એક પેડ માં કે નામ 3.0” અન્વયે કરવાની શરૂઆત રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં કરાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નાગરિકોને અનુરોધ કર્યો કે, પર્યાવરણ દિવસ માત્ર ઉજવણી નહિ, પરંતુ લોકોની રોજીંદી જીવનશૈલીનો ભાગ બને તે જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા મિશન લાઈફ (લાઈફ સ્ટાઈલ ફોર એનવાયરમેન્ટ)ને અપનાવી રોજબરોજના વપરાશમાં પાણી અને પેટ્રોલ જેવા પરંપરાગત ઇઁધણનો બચાવ કરવા અને વધુને વધુ વૃક્ષારોપણ કરવાની પણ તેમણે અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિકના ધ્યેય સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણનું નિર્માણ સૌ સાથે મળીને કરે તેવો અનુરોધ પણ રાજ્યના નાગરિકોને કર્યો હતો.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા ૨૦૨૬-૨૭ દરમિયાન એક પેડ માં કે નામ 3.0 અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74453.90 હેકટર વિસ્તારમાં 551.91 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન છે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગયા વર્ષ કરતા વનકવચ લક્ષ્યાંકમાં વધારો કરીને ચાલુ વર્ષે 440 હેકટર વિસ્તારમાં અંદાજિત 300 સ્થળોએ વનકવચ નિર્માણ કરવાનું તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેકટ હેઠળ કુલ 6652 હેકટર વિસ્તારમાં વાવેતર કરવાનું તેમજ 20100 હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતરનું આયોજન વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આ “એક પેડ માં કે નામ 3.0” અભિયાન પ્રારંભ અવસરે ગાંધીનગર શહેરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંક નાયક, ગાંધીનગર શહેર ભાજપા પ્રમુખ શ્રી ડૉ,આશિષ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડો. જયપાલસિંઘ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે તથા અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
