તેલ સહિત ચીજવસ્તુઓ મોંઘી થતાં દાળવડાના ભાવમાં વધારો
ચોમાસામાં વરસતા વરસાદમાં દાળવડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે!!ઃ ચીજવસ્તુઓના ભાવ ર૦ ટકા વધતા દાળવડાના ભાવમાં રૂા.ર૦નો વધારો
(પ્રતિનિધિ )અમદાવાદ, ચોમાસામાં વરસાદ વરસતો હોય અને અમદાવાદીઓ દાળવડા ખાય નહંી એવુૃ બને ખરૂ?? દાળવડા ખાવાની મજા કંઈક ઔર છે. એમાંય ચોમાસાની ઋતુમાં દરેક વર્ગના અને દરેક ઉંમરના લોકો દાળવડાની લુફ્ત ઉઠાવતા હોય છે.
જાે કે આ વખતે મોંઘવારી વધતા દાળવડા ખાવા થોડા મોંઘા જરૂર પડશે. મોંઘવારી વધતા દાળવડા બનાવતા કારીગરો પગાર વધારો માંગી રહ્યા છે. તો તેલ તથા આનુષંગિક ચીજવસ્તુઓના ભાવમાં પણ ર૦ ટકાનો વધારો થતા દાળવડાના ભાવમાં પ્રતિકિલોએ રૂા.ર૦નો વધારો થયો છે. અમુક સ્થળોએ તો દાળવડા રૂા.૩૪૦-પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. તો અમુક જગ્યાએ રૂા.૩૬૦ અને ૩૮૦ સુધી પ્રતિ કિલોએ ભાવ પહોંચ્યો છે.
દાળવડા માટે વપરાશમાં આવતા તેલ સહિતની ચીજ વસ્તુઓ ના ભાવ વધ્યા છે. એક અંદાજ મુજબ અલગ અલગ ખાદ્ય-ચીજવસ્તુઓના ભાવમાં ર૦ ટકાનો વધારો થયો છે. તેને લઈને દાળવડાના ભાવમાં રૂા.ર૦ કે તેથી વધારે ભાવ વધ્યો છે. દાળવડાના ભાવ વધ્યા છે. પરંતુ તૈયાર ખીરાના ભાવ લગભગ સપાટીએ ટકી રહ્યા છે.
ખીરૂ રૂા.રર૦ પ્રતિકિલોએ મળી રહ્ય છે. આગામી દિવસોમાં વરસાદની સિઝન ધમધોકાર ચાલશે તેથી દાળવડા વેચનારા માલિકો-સંચાલકો હાલ પૂરતો હવે ભાવ વધારો કરવાના મૂડમાં નથી તેમ છતાંય આ નિર્ણય વ્યક્તિગત હોય છે. અત્યારે ૧૦૦ ગ્રામ દાળવડાના રૂા.૩પ થી૩૮ સુધી પહોંચી ગયા છે.
ગરીબ, મધ્યમ અનેે માલેતજાર લોકો સહિત સૌ કોઈ વરસાદની સિઝનમાં દાળવડાની મજા માણતા હોય છે. આજકાલ તો તૈયાર ખીરૂ પણ ઘરે લઈ જઈને લોકો ઘરે પણ દાળવડા પોતાને ત્યાં રોજીંદા વપરાશમાં લેવાતા તેલમાં બનાવતા હોય છે.