જુહાપુરામાં મધરાતે ગેંગવોરની સ્થિતિ બે ગેંગના હથિયારબધ્ધ ટોળા સામસામે આવ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. પોલીસની નિષ્ક્રીયતાને પગલે દરેક વિસ્તારમાં સ્થાનિક લુખ્ખાઓ તથા બની બેઠેલા દાદાઓ ફૂટી નીકળ્યા છે. જે વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે અન્ય ટોળકીઓ સાથે સતત ઘર્ષણમાં આવતા રહે છે. જેમાં કેટલાંય ઘાયલ થતાં હોય છે. આવી ગેંગવોરનો ભોગ સામાન્ય નાગરીકો પણ બનતા હોય છે.
કેટલાંક વિસ્તારોમાં અસામાજીક તત્ત્વોનો આતંક એટલો બધી વધી ગયો છે કે ક્યારેક પોલીસનો પણ કાબુ નથી રહેતો અને બેફામ બનીને આવા લુખ્ખા તથા તેમની ગેંગના સભ્યો હિંસા આચરે છે. ગઈકાલે મધરાતે જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં પણ ગેંગવાર જેવી પરિસ્થિતિ બની ગઈ હતી.
જેમાં કાલુ-ગરદન તથા સુલતાન ખાનના માણસો સામસામે આવી જતાં વાતાવરણમાં તંગદિલી પ્રસરી જવા પામી હતી. જા કે સ્થાનિક લોકો તથા પોલીસની સમજાવટ બાદ બધા છુટ્ટા પડી ગયા હતા.
ઘટનાની વિગત એવી છે કે મોડી રાત્રે બાર વાગ્યાના સુમારે જુહાપુરાના અંબર ટાવર નજીક અચાનક જ માથાભારે શખ્સો સુલતાનખાન તથા કાલુ ગરદનના માણસો સામસામે આવી ગયા હતા. કોઈ ટસનું મસ ન થતાં બંન્ને ગેંગના સભ્યો ધીમે ધીમે તલવારો જેવા હિંસક હથિયારો સહિત એકત્ર થવા લાગ્યા હતા. જેના પરિણામે વાતાવરણમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી.
આ અંગે વાત કરતાં વેજલપુર પીઆઈ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે ટોળું એકત્ર થયુ હતુ. જા કે કોઈ ઘટના બને એ અગાઉ જ પોલીસને જાણ થતાં જ તમામને વિખેરી નાંખવામાં આવ્યા હતા. વાતચીત દરમ્યાન ઈન્સ્પેક્ટર ઓડેદરાએ કોઈ હિંસક હથિયાર સાથે આવ્યા હોવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર પ૦ થી ૧૦૦ શખ્સોનું ટોળું એકત્ર થઈ ગયું હતુ. જેણે એકબીજા પર હુમલો કર્યો હતો. જા કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.
આ દરમયાનમાં પોલીસ તથા સ્થાનિક નાગરીકોએ ભેગા મળીને તમામની સમજાવટ કરી સમગ્ર મામલો થાળે પાડતા શાંતિપૂર્વક અંત આવ્યો હતો. જા કે ફરી આવી ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે.