Western Times News

Gujarati News

સરદાર સાહેબનું સ્વપ્ન અમે પૂર્ણ કર્યુંઃ મોદી

૩૭૦ની કલમ હટાવવાનું 

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટિના સાંનિધ્યમાં વડાપ્રધાન મોદીનું પ્રેરણાદાયક પ્રવચન

 

 

(પ્રતિનિધિ) કેવડિયાકોલોની : અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને જમ્મુ-કાશ્મીરના પ્રશ્ને સેવેલુ સ્વપ્ન ૩૭૦ની કલમ હટાવીને અમે પૂર્ણ કરી દીધું છે.

સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી આજે પણ પ્રત્યેક દેશવાસીઓને ઉર્જા મળી રહી છે અને તેમના વિચારોથી જ આજે અખંડ ભારતની તાકાત વિશ્વભરમાં મજબુત બની છે. સરદાર વલ્લભભાઈ પટેલને આજના પ્રસંગે કોટિ કોટિ વંદન કરતા મોદીએ આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતાં.

જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની જવાબદારી સરદાર સાહેબ
પાસે હોત તો આટલું મોડુ ન થયું હોત

આ પ્રસંગે એનએસજી કમાન્ડો, અન્ય સુરક્ષા એજન્સીઓ તથા વિવિધ રાજયોની પોલીસ ટુકડીઓએ દિલધડક સ્ટંટ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ પ્રસંગે દેશભરમાં રન ફોર યુનિટિનું આયોજન કરાયું હતું આ ઉપરાંત વિશ્વભરમાં સૌથી ઉંચી પ્રતિમાનું આજથી એક વર્ષ પહેલા અનાવરણ કરવામાં આવ્યું હતું. કેવડિયા કોલોની ખાતે પ્રસ્થાપિત કરાયેલી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટિ પ્રતિમાના સાંનિધ્યમાં આજે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત બીજા વર્ષે સરદાર સાહેબને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા કેવડિયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતાં. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની એકતાનો સંદેશો સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો હતો અને આજે તેને આગળ વધારવામાં આવી રહયો છે.

સૌ પ્રથમ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા પ્રવચનો ઉપસ્થિત  લોકોને સંભળાવવામાં આવ્યા હતા. આ પ્રવચનો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે સરદાર પટેલનો અવાજ સાંભળી તેઓ ધન્ય થઈ ગયા છે. તેમના વિચારોમાં જ દેશની એકતા અને અખંડિતતાથી અને આ માટે આજે પ્રત્યેક ભારતવાસીઓને પ્રેરણા મળી રહી છે. એટલું જ નહી તેનો અનુભવ પણ કરવામાં આવી રહયો છે.
તેમનો અવાજ સાંભળતા જ અને તેમના વિચારોથી આજે પણ નવી ઉર્જા મળી રહી છે. તેમની વિશાળ તથા દુર્દશીતા તથા પવિત્રતા જાવા મળી રહી છે. ખેડૂતોએ આપેલા લોખંડ તથા દેશના વિવિધ રાજયોમાંથી એકત્ર કરાયેલી માટી સહિતની સામગ્રીથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ થયું છે અને તે આજે વિવિધતામાં એકતાનો સંદેશો આપી રહી છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજે વિશ્વભરમાં તે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેના પગલે સમગ્ર રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે. રન ફોર યુનિટિ આજે સંપન્ન થઈ છે અને દેશભરમાંથી દરેક વયના લોકોએ તેમાં ભાગ લીધો છે અને રાષ્ટ્રીય એકતાનું પ્રેરક ઉદાહરણ બન્યા છે.

આજે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન કરાયું છે અને તેમાં ભાગ લેનાર સૌ કોઈને અભિનંદન પાઠવું છું. એકતા દેશને જાડે છે અને એકતામાં જ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર રહેલા છે. ભારતની વિશિષ્ટતા પણ એ જ છે કે વિવિધતામાં એકતાના દર્શન થાય છે જે ભારતની ગૌરવ, ગરિમા અને ઓળખ આપે છે. વિવિધતામાં કયારય વિરોધાભાસ જાવા મળતો નથી. વિવિધતાની ઉજવણીમાં પણ એકતાનું પ્રદર્શન છે અને તે જ આપણને જીવવાની પ્રેરણા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની જુદી જુદી ભાષાઓ પર સૌ કોઈને ગર્વ છે. અલગ અલગ ભાષાઓ હોવા છતાં દરેક નાગરિકની ભાવના એક જ છે એટલું જ નહી પરંતુ અલગ અલગ તહેવારોની ઉજવણીમાં પણ એકતાની ભાવના અને આનંદ વધે છે અને તેથી જ આજે કહેવામાં આવે છે કે એક ભારત એ શ્રેષ્ઠ ભારત છે. આજના પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશભરના તમામ મહાનુભાવો અને સાધુ સંતોને યાદ કર્યાં હતાં.

આજે સમગ્ર વિશ્વમાં ભારત તેનું ઉદાહરણ બન્યું છે. સરદાર સાહેબે પ૦૦થી વધુ રજવાડાઓને એક કર્યાં હતાં સરદાર સાહેબમાં રહેલી ચુંબકીય તાકાતનું તે પરિણામ  હતું અને સરદાર સાહેબે આપેલા એકતાના મંત્ર હેઠળ તમામ લોકો તેમની છત્રછાયામાં જાડાયા હતાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબના આર્શિવાદથી આવા ભાગલાવાદી પરિબળોને હરાવવા કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નિર્ણય કર્યો છે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવવાનો નિર્ણય આ સરકારે કર્યો છે. ૩૭૦ની કલમના કારણે જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદ ફેલાયો હતો અને તેમાં ૪૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

નિર્દોષ લોકોના મૃત્યુ બાદ અગાઉ કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા ન હતા પરંતુ સરદાર સાહેબનું કાશ્મીરના મુદ્દે સ્વપ્ન હતું અને તે ૩૭૦ની કલમ હટાવી અમે પૂર્ણ કર્યું છે.  સરદાર સાહેબ કહેતા હતા કે કાશ્મીરનો મુદ્દો જા તેમની પાસે હોત તો આ મુદ્દાનો કયારનો ઉકેલ આવી ગયો હોત પરંતુ તેમનું સ્વપ્ન વર્ષો સુધી અધુરુ રહયું હતું.

૩૭૦ની કલમ હટાવાતા હવે જમ્મુ-કાશ્મીર ભારતની સાથે વિકાસ કૂચમાં આગળ વધશે અને આજે આ નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું અને હું મારી જાતને ધન્ય અનુભવુ છું કે સરદાર સાહેબનું અધુરું કામ પૂર્ણ કરવાનો મોકો મળ્યો છે.

૩૭૦ની કલમ હટાવાતા જ જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. ૩૭૦ની કલમના બહાના હેઠળ અલગતાવાદીઓએ નિર્દોષ નાગરિકો પર પ્રતિબંધો લાદી દીધા હતા પરંતુ હવે આ રાજયમાં વસતા નાગરિકોનો સંપૂર્ણ વિકાસ થશે એટલું જ નહી પરંતુ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં નવી સ્કુલો, હોસ્પિટલો તથા અન્ય સવલતો પુરી પાડવા માટેની ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે અને ૩૭૦ની કલમ હટાવી અલગતાવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિના સાંનિધ્યમાં સરદાર સાહેબને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના કાર્યોને બિરદાવ્યા હતાં તથા આ કાર્યોને આગળ વધારવાની પણ ખાતરી આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે ઉત્તર પૂર્વના રાજયોમાં જે વર્ષો જુના પ્રશ્નો છે તેનો પણ ટુંક સમયમાં જ ઉકેલ આવી જવાનો છે. સરદાર સાહેબની વિચારધારા પ્રમાણે આ રાજયોમાં ઉકેલ લાવવાની દિશામાં સરકાર સક્રિય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.