Western Times News

Gujarati News

અમદાવાદમાં મતદાનને ધ્યાનમાં રાખી વિનામૂલ્યે બસ મુસાફરી અને પાર્કિંગ સુવિધા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ,   અમદાવાદ શહેરની બે બેઠકો સહિત રાજ્યની 25 બેઠકો માટે આવતીકાલે સાત મેના રોજ ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે

મતદાતા ઓને મતદાન મથક સુધી જવામાં અને મતદાન મથક પર પહોંચ્યા બાદ કોઈ હાલાકી ન થાય તેના માટે જિલ્લા કલેક્ટર અને અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઘ્વારા વિવિધ સુવિધાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે સાતમીના રોજ મતદાનના દિવસે જે નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ વોટર સ્લીપ અથવા તો પોતાની આંગળીમાં મતદાન કર્યા અંગેની શાહી બતાવશે.

તેઓને AMTS બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. જેથી એએમટીએસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને આ તકનો લાભ ઉઠાવવામાં આવે. અત્રે નોંધનીય છે કે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઘ્વારા રોજ 750 જેટલી બસ રોડ પર મૂકવામાં આવે છે. પરંતુ આવતીકાલે લગભગ 450 બસ ઈલેક્શન ડ્યુટીમાં મૂકવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા અને શહેરમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે જેના માટે ફાળવેલા મતદાન મથકો ઉપર જવાના હોય ત્યારે વાહન પાર્કિંગને લઈ જ્યાં પેડ પાર્કિંગ છે ત્યાં પાર્ક કરવા અંગે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ આપવામાં આવેલું છે. જેથી મતદાનના એક દિવસ પૂરતું સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન સમય દરમિયાન ક્યાંય પણ વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.