સુરક્ષા એજન્સીઓના જવાનોના દિલધડક કાર્યક્રમોથી ઉપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ
સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા વીંગ દ્વારા બાઈક સ્ટંટ કરાયા |
(પ્રતિનિધિ) કેવડિયાકોલોની : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ પ્રસંગે કેવડિયા કોલોની ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી આજના આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એકતાના શપથ લેવડાવ્યા હતા અને ત્યારબાદ એનએસજી કમાન્ડો સહિત સુરક્ષા એજન્સીના જવાનો તથા વિવિધ રાજયોની પોલીસ ટુકડીઓએ દિલધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
સરદાર સાહેબની જન્મ જયંતિ પ્રસંગે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટિના સાંનિધ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં સૌ પ્રથમ શપથ લેવડાવ્યા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં જેમાં સૌ પ્રથમ એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરતા સીઆઈએસએફના જવાનોએ તેને જડબાતોડ જવાબ આપતી ઘટનાનું નિર્દશન કરવામાં આવ્યું હતું જેમાં જવાનોએ હેરતઅંગેજ આતંકવાદીઓનો સામનો કરતી ઘટનાઓ બતાવી હતી અને વિસ્ફોટથી દરવાજા ઉડાવી આંતકવાદીઓનો ખાત્મો કર્યો હતો
આ તમામ ઘટનાક્રમ દર્શાવવામાં આવી હતી આ નિર્દશનથી ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતાં આ નિર્દશન બાદ એનડીઆરએફની ટીમે ભૂકંપમાં તથા ગેસ ગળતરની કપરી પરિસ્થિતિમાં બચાવ કામગીરીનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું જેમાં ગેસ ગળતર વચ્ચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કઈ રીતે કરાય છે તે લોકોને બતાવવામાં આવ્યું હતું.દેશની શાન ગણાતા બ્લેક કેટ કમાન્ડો એનએસજીના કમાન્ડો કહેવાય છે અને તેમણે આંતકવાદી હુમલા અને વિસ્ફોટકોનો નાશ કરવાની કામગીરી બતાવી હતી
આ પ્રસંગે એનએસજી પાસે રહેલા આધુનિક સાધનોનું પણ નિર્દશન કરવામાં આવ્યું હતું. એનએસજીના કમાન્ડોની સાથે ડોગ સ્કવોર્ડની પણ મહત્વપૂર્ણ કામગીરી બતાવવામાં આવી હતી. આ ઉપરાંત સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા વીંગ દ્વારા બાઈક સ્ટંટ કરવામાં આવ્યા હતાં જે ખૂબજ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસ બેન્ડ દ્વારા કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલની ૧૪૪મી જન્મ જયંતિ પ્રસંગે કેવડીયા કોલોની ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિતિ જનતા સમક્ષ એકતા એજ ભારતનું બળ છે, ભારતનું ગૌરવ છે, ભારતની સંસ્કૃતિ છે તેમ જણાવી એકતા- રાષ્ટ્રિય એકતા માટે શપથ લેવડાવ્યા હતા.
ત્યારબાદ અન્ય કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીએ ટેકનોલોજી ડેમો એકઝીબીશનનું લોકાપર્ણ કર્યું હતું તથા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી ત્યારબાદ પોલીસના ટેબ્લો નિહાળ્યા હતા ગુજરાત પોલીસનો ટેબ્લો નિહાળી તેમને અભિનંદન આપ્યા હતા આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું લોકાર્પણ પણ તેમણે કર્યું હતું.