દમણના રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષનું બલીઠા બ્રિજ પર કાર અકસ્માતમાં મોત
![Daman's National Karni Sena chief killed in car accident on Ballitha Bridge](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/1207-valsad-1-1024x1274.jpg)
વલસાડના બલીઠા બ્રિજ પર બે કાર અથડાઈ
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ ના વાપી પાસે આવેલા બલીઠા બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે દમણના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. જેમાં દમણના રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષનું મોત નીપજ્યું હતું,
જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ હોદ્દેદારોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ દમણના અધ્યક્ષ અને વલસાડના અધ્યક્ષ સહિત કરણી સેનાના ૫ હોદ્દેદારો વલસાડમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાજપૂત સમાજની વ્યક્તિના ખબર અંતર પૂછવા અને મદદ કરવા વલસાડ આવી રહ્યાં હતા
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ અને ગુજરાત કરણી સેનાના કોર કમિટી સભ્ય અલોકસિંહ દમણ કરણી સેનાના પ્રમુખ કનકસિંહ જાડેજા સાથે તેમની કાર ન. ૮૬૩૭ લઈને વલસાડ ખાતે એક હોસ્પિટલમાં દાખલ રાજપૂત સમાજના પરિવારના સભ્યની ખબર અંતર પૂછવા
અને તેમના પરિવારને મદદરૂપ થવા આવી રહ્યા હતા. જે દરમિયાન બલીઠા બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને કાર ઉપર કાબુ ન રહેતા તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
અકસ્માતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહ સહિત ૩ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા છે.