પંચાયતના મકાનની છત જર્જરિત થઈ પોપડા પડતા કાર્યાલય ખસેડાયું
ઝઘડિયા-સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના મકાનની છત જર્જરિત થઈ પોપડા પડતા કાર્યાલયનું હંગામી ધોરણે સ્થળાંતર
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ ઝઘડિયા- સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના મકાનની છત જર્જરિત થતા હાલમાં છતના પોપડા ખરી પડ્યા હતા.
છતના પોપડા ખરીને નીચે પડતા છતના ધાબાના સળિયા દેખાવા લાગ્યા હતા.તેને લઈને આજરોજ ગ્રામ પંચાયત કાર્યાલયનું સુલતાનપુરા કોમ્યુનિટી હોલ ખાતે હંગામી ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા-સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઝઘડિયા અને સુલતાનપુરા ગામોનો સમાવેશ થાય છે.
ઝઘડિયા ગ્રામ પંચાયતનું મકાન વર્ષો જુનું છે.તેને લઈને મકાનની છત લાંબા સમયથી ધીમેધીમે જર્જરિત બની રહી હતી.દરમ્યાનન હાલમાં છતના પોપડા નીચે ખરી પડતા કાર્યાલય અન્યત્ર ખસેડવાની જરૂર ઉભી થઇ હતી.ઝઘડિયા અને સુલતાનપુરા ગામોને સાંકળતા આ ગ્રામ પંચાયત કાર્યાલયમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના વિવિધ કામો માટે આવતા હોય છે.
ઝઘડિયા એક તાલુકા મથક હોવા ઉપરાંત એક મહત્વનું વેપારી મથક પણ છે,તેમજ ગ્રામ પંચાયત કાર્યાલયમાં વિવિધ દાખલાઓ આયુષ્યમાન કાર્ડ વિ.જેવી કામગીરી પણ થતી હોય છે ત્યારે ગ્રામ પંચાયતના આ જુના જર્જરિત મકાનને જમીનદોસ્ત કરીને નવા આયોજન સાથે અધ્યયન રીતે નવીનીકરણ કરવાની જરૂર છે.
છેલ્લા કેટલા વર્ષોથી ગ્રામ પંચાયતનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે તેમ છતાં તેનું યોગ્ય સમારકામ અથવા તેનું નવીનીકરણ કેમ નથી કરવામાં આવતું તેવો પ્રશ્ન પ્રજા ભૂતકાળના સરપંચ તથા વર્તમાન સરપંચને પૂછી રહી છે.
ગ્રામ પંચાયતના વર્ષો જુના મકાનનું યોગ્ય આયોજનના અભાવના કારણે પ્રજાને અધતન સુવિધાનો અભાવ વર્તાતા નવીનીકરણ કરવું જરૂરી બનયુ છે.મકાનની છતના પોપડા ખરતા સદભાગ્યે કોઇને ઈજા નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.પરંતું જનતા ઈચ્છે છે કે ગ્રામ પંચાયત કાર્યાલયના આ જુના મકાનનું તાકીદે નવીનીકરણ કરવામાં આવે.