કુંડલી ભાગ્ય ફેમ ધીરજ બન્યો દિકરાનો પિતા

મુંબઈ, કુંડલી ભાગ્યનો એક્ટર ધીરજ ધૂપર અને પત્ની વિન્ની અરોરા પેરેન્ટ્સ બની ગયા છે. ટેલિવુડના આ પોપ્યુલર કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારથી લઈને મેટરનિટી ફોટોશૂટ અને બેબી શાવરને લઈને કપલ ચર્ચામાં રહેતું હતું.
હવે તેઓ પેરેન્ટ્સ બની જતાં માત્ર તેઓ જ નહીં તેમના પરિવારો અને મિત્રોમાં પણ ખુશીનો માહોલ છે. વિન્ની અરોરાએ દીકરાને જન્મ આપ્યો છે. કપલે આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા છે. ધીરજે આજે એટલે ૧૦ ઓગસ્ટએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પિતા બની ગયો હોવાના ગુડ ન્યૂઝ આપ્યા છે. ધીરજ ધૂપરે નાનકડું કાર્ડ શેર કરવાની સાથે પોતાનો અને વિન્નીનો ફોટો શેર કર્યો છે.
કાર્ડ પર લખેલું છે, “અમારા દીકરાના આગમનની જાણકારી આપતાં અત્યંત આનંદ થાય છે. ૧૦/૮/૨૨. ગર્વ અનુભવી રહેલા પેરેન્ટ્સ વિન્ની અને ધીરજ.” ધીરજે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, ‘ઈટ્સ અ બોય.’ ધીરજે આ પોસ્ટ શેર કરતાં જ તેના ફેન્સ ઉપરાંત મિત્રો અને ટેલિવુડના સેલેબ્સે પણ શુભકામનાઓ પાઠવવાની શરૂ કરી હતી.
દ્રષ્ટિએ ધામી, રિદ્ધિમા પંડિત, વિકાસ કાલંતરી, અદા ખાન, શાયની દોશી, કનિકા માન વગેરે જેવા સેલેબ્સે કપલને અભિનંદન આપ્યા હતા અને નાનકડા બાળક પર પ્રેમ વરસાવ્યો હતો. વિન્નીએ પણ પતિની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, ઈશ્વરની બધી જ કૃપા એક નાનકડા ચહેરામાં મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વિન્ની અને ધીરજે આ વર્ષે એપ્રિલ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
બાદમાં સોનોગ્રાફી રિપોર્ટ શેર કરતાં પણ કપલે લખ્યું હતું, “ઓગસ્ટ ૨૦૨૨માં એક નાનકડો ચમત્કાર થવાનો છે.” જે બાદ કપલ બેબી શાવર અને મેટરનિટી ફોટોશૂટના કારણે ચર્ચામાં રહ્યું હતું. કપલનું મેટરનિટી ફોટોશૂટ ખાસ્સું વાયરલ થયું હતું. વિન્ની અને ધીરજની પહેલી મુલાકાત સીરિયલ ‘માતાપિતા કે ચરણોં મેં સ્વર્ગ’ના સેટ પર થઈ હતી. થોડા વર્ષો ડેટ કર્યા બાદ કપલે નવેમ્બર ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. આ કપલનું પહેલું સંતાન છે.SS1MS