અમદાવાદના પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત
ત્રણ વર્ષની બાળકી-પત્ની સાથે ૧૨મા માળેથી ઝંપલાવ્યું
બે દિવસ પહેલા આપઘાતનો બનાવ સામે આવ્યો હતો, બાવળામાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો હતો
અમદાવાદ,શહેરના ગોતા વિસ્તારમાં પોલીસકર્મીએ પરિવારે સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ગોતા વિસ્તારમાં મોડી રાતે આ પરિવારે આપઘાત કર્યો છે. પોલીસકર્મી કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. તેમણે પોતાની પત્ની અને ૩ વર્ષની બાળકી સાથે ૧૨મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે.
હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ હાથ ધરી રહી છે. આ અંગે દિવા હાઇટ્સમાં રહેતા કાંતિભાઇ મેવાળાએ જણાવ્યુ કે, આ પરિવાર આશરે બેથી ત્રણ વર્ષથી અહીં રહેતા હતા. મંગળવારે રાતે ૧.૧૩ મિનિટે પહેલા મહિલા નીચે પડ્યા જેની દસેક સેકન્ડ બાદ બાળકીને સાથે રાખીને પોલીસકર્મી પણ પળ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, રાતે બે વાગે ચોકીદાર જગાડવા આવ્યો અને તેણે જણાવ્યુ કે, નીચે ત્રણ લાશો પડી છે. બે દિવસ પહેલા પણ આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. અમદાવાદના બાવળામાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થયા હતાં.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બાવળા શહેરમાં આવેલી નંદંન પાર્ક સોસાયટીમાં ગોવરાંગભાઈ જગમોહન દાશ મહંત અને તેમની પત્ની ભાવનાબેન રહેતા હતાં. કોઇ કારણોસર પતિ ગોવરાંગભાઈએ તેની પત્ની ભાવનાબેનની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો. તેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.ss1