રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ સમાપ્ત કરવા ભારત સમજાવે: યુએસ
(એજન્સી)વોશિંગ્ટન, રશિયાએ યુક્રેનના ચાર હિસ્સાને તેની સાથે મેળવવાની કવાયત શરૂ કરવા સાથે તેમાં વિક્ષેપ પાડનારા પશ્ચિમને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયાએ યુદ્ધને અંતિમ ચરણમાં લઈ જવાના ભાગરૂપે ૩ લાખ રિઝર્વ સૈનિકોને તૈયાર રહેવાનો પણ આદેશ આપ્યો છે.
ત્યારે પુતિનના તેવર જાેઈને વ્હાઈટ હાઉસે પીએમમોદીને વિનંતી કરી છે કે, તેઓ રશિયાને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની તેમની સલાહને અમલમાં મુકવા માટે સમજાવે. પુતિને પોતે રશિયાની રક્ષા માટે કોઈ પણ હદે જવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
સાથે જ પશ્ચિમી દેશોને એવી ચેતવણી પણ આપી હતી કે, તેમની વાતને હળવાશથી ન લેવામાં આવે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દ્વિપક્ષીય વાર્તાલાપ દરમિયાન શાંતિના પાઠ ભણાવ્યા હતા. અમેરિકા અને ફ્રાન્સ સહિત અન્ય કેટલાય પશ્ચિમી દેશોએ આ માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી.
સમરકંદ ખાતે પુતિન સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘હવે યુદ્ધનો યુગ નથી. તમે તમારા પાડોશી દેશને બળથી ન જીતી શકો.’ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ગત સપ્તાહે એસસીઓ શિખર સંમેલનમાં પુતિન માટે મોદીએ જે ટિપ્પણી કરી હતી તેને સિદ્ધાંત આધારીત નિવેદન ગણાવીને તેને આવકાર્યું હતું.