Western Times News

Gujarati News

દસ્તાવેજ વિના લોન આપવાના કૌભાંડનો પર્દાફાશ: દિલ્હીથી ૩ ઝડપાયા

વડોદરા, લોકોને સરળતાથી લોન આપવાની લાલચ આપીને પૈસા પડાવનારી એક ગેંગનો પર્દાફાશ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને ૩ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી કોલ સેન્ટર ચલાવતો હતો લોકો પાસેથી ગેરકાયદેસર રીતે લોનની રકમ રિકવર કરાવવા માટે અન્ય બે આરોપીઓને કામ પર રાખ્યા હતા.

એસીપી હાર્દિક માકડિયા જણાવે છે કે, આ એક સુનિયોજીત ગુનો હતો જેમાં આ ગેંગ ભોળા લોકોને દસ્તાવેજ વિના જ સરળતાથી લોન આપવાની લાલચ આપતી હતી. એક વાર લોન લેવામાં આવે તો આ ગેંગ તેમને પરેશાન કરવાનું શરુ કરી દેતી હતી.

આટલુ જ નહીં તેમની તસવીરો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. થોડા સમય પહેલા જ આ ચાઈનિઝ લોન એપ કૌભાંડનો શિકાર બનેલા પ્રશાંત જગતાપ નામના વ્યક્તિએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે પણ આ એપ ડાઉનલોડ કરીને લોન લીધી હતી. તેમણે આખી રકમ ચૂકવી દીધી હોવા છતાં ઠગો વધુમાં વધુ પૈસાની માંગ કરતા રહેતા હતા અને આટલુ જ નહીં, એવી ધમકી પણ આપતા હતા કે જાે પૈસા ચૂકવવામાં નહીં આવે તો તેમની અશ્લીલ તસવીરો વાયરલ કરવામાં આવશે.

એક મહિના પછી ફરિયાદી પ્રશાંતને ફરીથી ફોન આવવાની શરુઆત થઈ ગઈ. તેમણે બીજી લોન લીધી નહોતી તેમ છતાં તેમને કહેવામાં આવતુ હતું કે લોનના પૈસા ચૂકવી દેવામાં આવે. આખરે તેમણે મદદ માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. વાતચીતમાં એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, ફરિયાદ મળ્યા પછી અમે તપાસ શરુ કરી અને કોલ ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો.

અમે જાેયું કે આરોપી દિલ્હી અને હરિયાણામાં છે. અમારી ટીમે તેમને ઝડપી લીધા અને વડોદરા લાવવામાં આવ્યા. આરોપીઓની ઓળખ અબુ સુફિયાન રહેમાન (બિહાર), સંદીપ કુમાર મહાતો (ઝારખંડ) અને લક્ષમણ ચૌહાણ (ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે લોકોને ઠગવા માટે કોલ સેન્ટર્સ અલગ અલગ દેશોમાં ચાલતા હતા. પાકિસ્તાન, બાંગ્લાદેશ, તન્ઝાનિયા અને નેપાળ વગેરે દેશોમાં તેમના કોલ સેન્ટર હતા.

મુખ્ય આરોપી અબુ સુફિયાન રહેમાને વર્ષ ૨૦૧૮માં ચાઈનાની મુલાકાત લીધી હતી અને અહીં તેણે ચાઈનિઝ ભાષા પણ શીખી હતી. તે ત્યાં એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. તેણે લોન એપ સ્કેમને અમલમાં મૂકવાની સંપૂર્ણ પદ્ધતિ શીખી લીધી હતી. તે ગ્રાહકોનો ડેટા ચોરી કરતો હતો અને પછી તેમને ધમકી આપવા તે ડેટાનો ઉપયોગ કરતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.