Western Times News

Gujarati News

યુકે-યુએસ, કેનેડા, કેન્યામાં રમાય છે પરંપરાગત ગરબા

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતીઓ અને ગરબા જાણે એકબીજાના પર્યાય છે. નવરાત્રીના નવ દિવસ ગરબે ઘૂમવાની રાહ આખું વર્ષ ખેલૈયાઓ જાેતા હોય છે. નવરાત્રી વિના પણ દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો ગુજરાતી ક્યારેય પણ ગરબા રમવા તૈયાર થઈ જાય છે. પછી નવરાત્રીમાં તો પૂછવું જ શું? વિદેશમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓમાં નવરાત્રીનો થનગનાટ હંમેશા જાેવા મળે છે.

જાણીતા ગુજરાતી ગાયકો વિદેશી ધરતી પર રહેતા NRIને પોતાના સૂરના તાલે ગરબે ઘૂમવા મજબૂર કરી દે છે. ન્યૂ જર્સીમાં રહેતા લવ પટેલ હજી પણ નવરાત્રીના ઉલ્લાસોન્માદમાંથી બહાર નથી આવ્યા. અતુલ પુરોહિતના મંત્રમુગ્ધ કરનારા અવાજ અને ગીતોના તાલે ગરબે ઘૂમવાનો નશો હજી ઉતર્યો હતો.

ગરબા ઈવેન્ટના સહ-આયોજક લવ પટેલના કહેવા અનુસાર પાછલા અઠવાડિયે તેમનો ફોન સતત રણકી રહ્યો હતો. મહામારી પહેલા આશરે પાંચ હજાર લોકો ગરબે ઘૂમવા આવતા પરંતુ તેની સરખામણીમાં આ વર્ષે લગભગ ૮ હજાર ખેલૈયાઓ આવ્યા હતા.

મારો ફોન સતત રણક્યા કરતો હતો. વળી, કેટલાક લોકો તો એવા હતા જે ૧૪ રાજ્યોમાં મુસાફરી કરીને થોડા કલાકો માટે ફક્ત ગરબા રમવા આવ્યા હતા, તેમ લવ પટેલે જણાવ્યું. આ તરફ અમદાવાદમાં નવરાત્રીના પહેલા નોરતે વિવિધ ગરબા આયોજનોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી જશે કારણકે છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગરબાના શોખીનો રમી નથી શક્યા. ઘણી જગ્યાએ નવરાત્રી પહેલા પ્રી-ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. તો કેટલાય દેશોમાં નવરાત્રી પહેલાથી જ ગરબા નાઈટ્‌સ પૂરજાેશમાં ચાલી રહી છે.

ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા વિસ્તારોમાં ગુજરાતીઓની ખૂબ વસ્તી છે અને અહીં નવીન ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. અહીં કેટલાય વીકએન્ડ સુધી નવરાત્રી ચાલ્યા કરે છે. અહીં શેરી ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે એવામાં વર્ષોપરાંત લોકપ્રિયતા અને ભાગ લેતા લોકોની સંખ્યા વધી છે.

યુવા હૈયાઓમાં નવરાત્રીનો તહેવાર ખૂબ લોકપ્રિય છે, તેમ યુએસમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન અસોસિએશન્સના ચેરમેન અંકુર વૈદ્યએ જણાવ્યું. યુકેમાં નેશનલ અસોસિએશન ઓફ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા પ્રવીણ અમીનનું પણ આવું જ માનવું છે. તેમણે કહ્યું, “અમે નોંધ્યું છે કે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ આવે છે અને ટ્રેડિશનલ ગરબના તાલે ઝૂમવા માટે તેમનામાં થનગનાટ હોય છે.

કેટલાય સ્થાનિક ગાયક કલાકારો ઈવેન્ટમાં પર્ફોર્મ કરે છે. એક ઈવેન્ટમાં સરેરાશ આશરે ૧૫૦૦ લોકો આવે છે. અમે ૧૯૭૬થી ગરબાનું આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે અમે ૧૧ રાત્રીઓએ ગરબાનું આયોજન કર્યું છે. નવરાત્રીના નવ દિવસ ઉપરાંત દશેરા અને શરદ પૂર્ણિમાએ પણ ગરબા રાખ્યા છે.

ઓમાનમાં રહેતા ચંદ્રકાંત જાેધાનીનું કહેવું છે કે, હિન્દુ મહાજન સમાજના સભ્યો એક સદી પહેલાથી અહીં ગરબા યોજતા આવ્યા છે. આ વખતે પણ કલા ભવન, કોસ્મોસ ભવન વગેરે સ્થળોએ આયોજનો કરવામાં આવ્યા છે. હિન્દુ મહાજન સમાજ તરફથી કુવૈત, દુબઈ, મસ્કત, અબુ ધાબી વગેરે સ્થળોએ પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતીયો ભાગ લે છે”, તેમ તેમણે ઉમેર્યું.

કેન્યામાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જયેન્દ્ર માલડેના કહેવા પ્રમાણે, નાયરોબી, મોમ્બાસા, કિસુમુ અને નાકુરુના વિવિધ મંદિરોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. “અહીં શક્તિની ઉપાસના કરવાનું મહાત્મ્ય જળવાઈ રહ્યું છે. મોટાભાગના સ્થળોએ મોડર્ન ગરબાને મંજૂરી નથી.

દરેક કાર્યક્રમમાં ઓછામાં ઓછા ૧૫૦૦ લોકો ભાગ લે છે”, તેમ તેમણે ઉમેર્યું. કેનેડાના ઓટાવામાં વેદિક સંસ્કૃતિ એનજીઓના પ્રમુખ કશ્યપ દેસાઈએ જણાવ્યું કે, તેમનું એનજીઓ છેલ્લા એક દશકાથી કેનેડાની રાજધાનીમાં ગરબા આયોજિત કરતા આવ્યા છે.

“વર્ષોથી વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે અને હવે ભારતીય સમુદાયની મજબૂત હાજરી નોંધાયેલી છે. એવામાં ગરબા આયોજનોમાં ચાર હજાર જેટલા ખેલૈયાઓ આવે છે. અમે એવા ઈનડોર વેન્યૂ પસંદ કરીએ છીએ જેમાં આટલી સંખ્યામાં લોકોને સમાવી શકાય. ઉપરાંત જે લોકોને રસ હોય તેમના માટે ગરબા ક્લાસ અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.