Western Times News

Gujarati News

ક્લીન સિટી સુરતને હવે ગ્રીન સિટી બનાવવાનું છેઃ વડાપ્રધાન

સુરત શ્રમને સન્માન કરનારૂં શહેરઃ નરેન્દ્ર મોદી સુરતમાં વડાપ્રધાનના હસ્તે 3472 કરોડના 59 પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુર્હૂત-ભવ્ય રોડ-શો બાદ નિલગીરી ગ્રાઉન્ડ પર વિશાળ જનસભાને મોદીનું સંબોધન

(પ્રતિનિધિ) સુરત,  વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે આજે સુરત શહેર જિલ્લાના 3472 કરોડના રૂપિયાના 59 વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે હજ્જારોની સંખ્યામાં ઉમટેલા સુરતીઓને નિહાળીને વડાપ્રધાન મોદી ઓત-પ્રોત થઈ ગયા હતા.

તેઓએ સુરત અને સુરતીઓની ખાસિયતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ શહેર શ્રમનું સન્માન કરનારૂં શહેર છે. દેશ – દુનિયાના શહેરો માટે પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ સુરત શહેર વિકાસની નવી ક્ષીતિજોને આંબવા માટે કટિબદ્ધ છે ત્યારે આ યોજનાઓ શહેરના નાગરિકો અને વેપારીઓ માટે ખુબ જ લાભદાયક સાબિત થશે.

જનસભાને સંબોધિત કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સુરત આગમન સાથે સુરતીઓનો જે પ્રેમ અને આશીર્વાદ મળે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સુરતીઓના ઉત્સાહ અને અઢળક પ્રેમ માટે તેઓ પાસે કોઈ શબ્દ ન હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

આ દરમ્યાન તેઓએ સુરતને મીની ભારત તરીકેની ઓળખને સાર્થક ગણાવતાં કહ્યું હતું કે, આજે દેશમાં ભાગ્યે જ કોઈ પ્રદેશ હશે કે જ્યાંનો નાગરિક સુરતમાં વસવાટ ન કરતો હોય. દેશભરથી લોકો સુરતને કર્મભૂમિ બનાવવા આવે છે ત્યારે સુરતીઓને જોઈએ તેઓ પણ અસ્સલ સુરતીલાલા બની જતાં હોય છે. સુરત જ એક માત્ર એવું શહેર છે જે કે વિકાસની ગતિમાં પાછળ રહી જાય તો પણ તેને આગળ લઈ જવા માટે હાથ પકડીને અવસર આપવામાં આવે છે. સુરત શહેરની આ જ ભાવના આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારતના નિર્માણ માટે પ્રેરણા સ્ત્રોત રૂપ સાબિત થશે.

કોંગ્રેસના શાસનકાળને વાગોળતાં તેઓએ જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં સુરતમાં જ્યારે પુર – પ્લેગ જેવી મહામારીઓ આવતી હતી ત્યારે દુષ્પ્રચાર કરવામાં આવતા હતા. આજે સુરત શહેર દેશના સ્વચ્છ શહેરોમાં અગ્રેસર છે. દુનિયાના સૌથી વિકસીત શહેરોમાં સુરતનું નામ સર્વોપરિ છે અને તેના માટે સુરતના નાગરિકોની નિરંતર મહેનત અભિનંદનને પાત્ર છે.

એક તબક્કે ત્રણ પી એટલે પબ્લિક – પ્રાઈવેટ – પાર્ટનરશીપની વાતો થતી હતી ત્યારે સુરતે ચાર પીનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. સુરતમાં પીપલ્સ, પબ્લિક અને પ્રાઈવેટ સાથે પાર્ટનરશીપ જોવા મળે છે. સુરત શહેરની સ્વચ્છતા અંગે તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં સેંકડો કિલોમીટરની નવી ડ્રેનેજ લાઈનો અને સિવરેઝ સિસ્ટમમાં અપગ્રેડેશનને લીધે સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં બીજા ક્રમે પહોંચ્યું છે.

ડબલ એન્જીન સરકાર થકી મળતા લાભનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, એક તબક્કે સુરતના વિકાસ કાર્યો માટે અનેક અડચણો ઉભી થતી હતી ત્યારે હવે સુરત જ નહીં સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યો પુરજોશથી ચાલી રહ્યા છે. બ્રિજ સિટી, ક્લીન સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી બાદ હવે સુરત શહેરને ગ્રીન સિટી બનાવવા અંગેની ટહેલ પણ તેઓએ કરી હતી.

બાયોડાયર્વસિટી પાર્કના ઉલ્લેખ સાથે તેઓએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વ્હીકલની યોજનાઓના અમલીકરણમાં સુરત અન્ય શહેરો કરતાં ચાર ડગલાં આગળ ચાલી રહ્યું છે. આગામી સમયમાં માત્ર સુરત શહેરમાં જ 500 જેટલા નવા ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવામાં આવતાં સુરત શહેર અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.