Western Times News

Gujarati News

સુરતની અવનવી વાનગીઓ આરોગ્યા વિના રહેવું મારે માટે નવરાત્રીમાં અઘરૂં છેઃ પ્રધાનમંત્રી

નવરાત્રિના તહેવારમાં સુરત આવવું અઘરૂં છે

(પ્રતિનિધિ) સુરત,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત આગમનને આનંદદાયક ગણાવવાની સાથે – સાથે નવરાત્રિના તહેવારમાં સુરતી જમણ વિના પરત ફરવાનું અઘરૂં હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, મારા જેવા વ્યક્તિનો જ્યારે નવરાત્રિમાં ઉપવાસ હોય અને સુરત આવે ત્યારે તે ખુબ જ કષ્ટદાયક હોય છે. સુરત આવીને સુરતની અવનવી વાનગીઓ આરોગ્ય વિના રહેવું અઘરૂં કામ છે.

જિલ્લામાં 75 અમૃત સરોવરનું પ્રશંસનીય કાર્ય
આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રત્યેક જિલ્લામાં 75 તળાવો બનાવવા – નવસાધ્ય કરવા માટે અપીલ કરી હતી. જે અપીલને પગલે હાલ સુરત જિલ્લાના અલગ – અલગ ગામોમાં 75 તળાવો બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનો ઉલ્લેખ કરતાં તેઓએ આ માટે સ્થાનિક શાસકો – વહીવટી તંત્ર સાથે સાથે સુરતીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આયુષ્યમાન યોજનાથી સુરતના 1.25 દર્દીઓને લાભ
નિલગીરી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનાનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આયુષ્યમાન યોજના આર્શીવાદ રૂપ સાબિત થઈ રહી છે.

આ યોજના થકી અત્યાર સુધી દેશના ચાર કરોડથી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી છે. જે પૈકી માત્ર ગુજરાતમાં જ 32 લાખથી વધુ દર્દીઓ અને સુરત શહેરમાં 1.25 લાખથી વધુ દર્દીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ આર્શીવાદ રૂપ યોજના
દેશના અલગ – અલગ શહેરોમાં લારી ગલ્લા અને છુટ્ટક ધંધો – રોજગાર કરનારાઓનું જીવન સ્તર સુધારવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ખુબ જ લાભકારી સાબિત થઈ રહી છે. આ યોજનાની સફળતા સંદર્ભે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ખુદ બિલ ગેટ્સ દ્વારા આ યોજનાને મહત્વાકાંક્ષી ગણાવવામાં આવી છે. કોઈપણ પ્રકારની બેંક ગેરેન્ટી વિના અત્યાર સુધી દેશના 35 લાખ હોકર્સ લોન મેળવવામાં સફળ રહ્યા છે. જે પૈકી ગુજરાતના 2.50 લાખ અને સુરતના 40 હજાર લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

સુરતે એરપોર્ટ માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો
રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરમાં એરપોર્ટ માટે કરવામાં આવેલા લાંબા સંઘર્ષને વાગોળતા વડાપ્રધાન કહ્યું હતું કે, એક તબક્કે દિલ્હીની સરકાર દ્વારા સુરત શહેરના સાર્મ્થયને નજરઅંદાજ કરવામાં આવતું હતું. હવે સ્થિતિ બદલાઈ ચુકી છે અને આજે સુરત એરપોર્ટ ધમધમતું થઈ ચુક્યું છે. આ રીતે જ આગામી સમયમાં અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં મેટ્રો ટ્રેન પણ વિકાસના મોરપિચ્છનો વધુ એક ભાગ બનશે. ડબલ એન્જીન સરકારને પગલે સુરતની સાથે સાથે ગુજરાતના કોઈપણ શહેરની વિકાસ યોજનાઓ માટે સંર્ઘષના દિવસો ભૂતકાળ બન્યા હોવાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.

સુરતથી કાશી વચ્ચે નવી ટ્રેન દોડાવવાનું આયોજન
સુરત અને કાશી શહેરનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ નગરી સુરતનું મોટું બજાર કાશી અને પૂર્વી ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે. જેને પગલે રેલવે દ્વારા નવતર અભિગમ અપનાવીને કોચની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને પગલે એક ટનના કન્ટેઈનર કોઈપણ પ્રકારની અસુવિધા વિના લોડ – અનલોડ થઈ શકશે. આગામી સમયમાં સુરતના વેપાર માટે ખુબ જ લાભદાયક સાબિત થનાર સુરત – કાશી લોજિસ્ટીક ટ્રેન શરૂ કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જેને પગલે સુરત – કાશી વચ્ચેના વેપાર – ધંધાને નવી પાંખો મળશે અને વેપારીઓ સહિત શ્રમિકોને પણ આ ટ્રેનનો સીધો લાભ મળશે.

પાવરલૂમ્સ મેગા કલ્સ્ટર યોજના સુરત માટે મહત્વપૂર્ણ
ટેક્સટાઈલ નગરી તરીકે દેશ – વિદેશમાં પોતાની આગળ ઓળખ મેળવનાર સુરત શહેરના કાપડ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારની પાવર લૂમ્સ મેગા કલ્સ્ટર યોજના ખુબ જ લાભદાયી હોવાનું જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેટલાક મહિના પૂર્વે જ કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય દ્વારા આ યોજનાને સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. આ યોજનાને પગલે સાયણ – ઓલપાડ સહિતના વિસ્તારોમાં પાવરલૂમ્સના વેપારીઓને અઢળક લાભ મળશે તે નિશ્ચિત છે. આ સિવાય આ યોજનાને કારણે વેપારીઓની સમસ્યામાં નિશ્ચિતપણે ઘટાડા સાથે પ્રદૂષણમાં પણ અંકુશ મેળવવામાં સફળતા મળશે.

હવે ડાયમંડનું વૈશ્વિક ટ્રેડિંગ હબ બનશે સુરત શહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં જેનો સમાવેશ થાય છે તે ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશ દ્વારા લોકાર્પણ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, આજે સુરત શહેરનો હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યો છે. આગામી સમયમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત શહેર વિશ્વના સૌથી સુરક્ષિત અને સુવિધાયુક્ત ડાયમંડ ટ્રેડિંગ હબના રૂપમાં વિકસીત થશે અને એનો લાભ સુરતના હીરા ઉદ્યોગકારોને મળશે. બીજી તરફ માત્ર શહેરના જ નહીં દુનિયાભરના હીરા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે અત્યાધુનિક અને વૈશ્વિકસ્તરની ઓફિસો માટે પણ સુરત શહેર પહેલી પસંદગી બનશે તે પણ નિશ્ચિત છે.

સુરત ખરા અર્થમાં સેતુઓનો શહેરઃ મોદી
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના વિકાસની સાથે સાથે તેઓએ સુરતના રજેરજમાં વસેલી માનવીયતા – રાષ્ટ્રીયતા અને સમૃદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, શહેરના રાંદેર, અડાજણ, પાલ, હજીરા, પાલનપોર સહિતના વિસ્તારોમાં અફાટ વિકાસ વચ્ચે આજે શહેરમાં તાપી નદી પર 12થી વધુ બ્રિજ બન્યા છે. બ્રિજ સિટી તરીકે ઓળખ બનાવી ચુકેલું સુરત શહેર સુરતીઓની સમૃદ્ધિની ઓળખ સમાન છે. આજે સુરત ખરા અર્થમાં સેતુઓનો શહેર બની રહ્યું છે.

સુરતના જમણ અને કાશીના મરણનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની ખાસિયત વિશે જણાવતાં કહ્યું હતું કે, સુરતી લાલાઓને મોજ વગર બિલ્કુલ ના ચાલે. કાશીના સાંસદ હોવાને કારણે તેઓને ઘણી વખત લોકો સુરતના જમણ વિશે વાત કરતાં હોય છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, સુરતનું જમણ અને કાશીનું મરણ ખરેખર કહેવત જ નહીં પરંતુ વાસ્તવિકતા છે. આ દરમ્યાન સુરતના વિકાસ માટે તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વહીવટી તંત્ર, મહાનગર પાલિકા અને ધારાસભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સભા પૂર્ણ થતાની સાથે જ લોકો પતરા તોડીને ભાગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પૂર્ણ થતાની સાથે જ જાણે લોકોની ધીરજ ખૂટી હોય તેમ સભા ડોમમાંથી બહાર નીકળવા દોડધામ સાથે ભારે ધક્કામુક્કી કરી હતી. આ ઉપરાંત લોકોએ સભા ડોમની ફરતે બાંધેલા પતરાના બનાવેલા બેરીકેટ પણ તોડી નાખ્યા હતા અને કુદકા મારીને ત્યાંથી ભાગ્ય હતા.

ડોમની બહાર બાંધેલા દોરડા અને પતરાને તોડી લોકો ભાગ્ય હતા પરંતુ સ્થળ પર હાજર પોલીસ પણ કઈ કરી શકી ન હતી. ઉલ્લેખનીય છે કે સવારથી જ પોલીસ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી કરી લોકોને સભા હોલમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં એકપણ વાર બહાર જવા દેવામાં ન આવતા ચાર કલાક સતત બેસવાના કારણે લોકો બેબાકળા થઇ ગયા હતા.

કાંગારું સર્કલથી ડિંડોલી ચાર રસ્તા સુધી વાહનવ્યવહાર બંધ
વડાપ્રધાનના આગમન અને જાહેર સભાના કારણે મોડીરાતથી જ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડીરાતથી જ કાંગારું સર્કલથી ડિંડોલી ચાર રસ્તા સુધીનો બંને તરફનો રસ્તો બેરિકેટિંગની આડસ ઉભી કરી બંધ કરી દેવામાં આવ્યો હતો.

જે લોકો પાસે માત્ર વીવીઆઈપી અથવા વીઆઈપી પાસ હોય, પોલીસ અને માત્ર પ્રેસના વાહનોને જ સભા ખંડ સુધી વાહન લઇ જવા દેવામાં આવ્યા હતા. કાંગારું સર્કલથી ડિંડોલી ચાર રસ્તા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે લોકોએ સભા ખંડ સુધી પહોંચવા માટે ચારથી પાંચ કિલોમીટર જેટલું ચાલતા જવું પડ્યું હતું.

દોઢ કલાકમાં સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ
છેલ્લા સાત દિવસથી સુરત મહાનગર પાલિકા, પોલીસ પ્રસાશન અને તમામ વહીવટી સત્તાધીશો વડાપ્રધાનના કાર્યક્રમની તડામાર તૈયારીમાં કામે લાગ્યા હતા. ભવ્ય રોડ શો અને સભા માટે કરોડો રૂપિયાનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલીકોપટર મારફતે લીંબાયત નીલગીરી ખાતે પહોંચ્યા હતા.

જ્યાંથી તેઓએ ૧૦.૫૦ કલાકે રોડ શોની શરૂઆત કરી હતી. હજ્જારોની જનમેદની વચ્ચેથી વડાપ્રધાન ૨૬ મિનિટના રોડ શો બાદ ૧૧.૧૬ કલાકે સભા સ્થળે પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ તેઓ ૧૧.૩૦ કલાકે સ્ટેજ પર પહોચ્યા હતા. જ્યાં શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાત મિનિટ ભાષણ આપ્યા બાદ વડાપ્રધાને ૨૫ મિનિટ સુધી ભાષણ aapi ૧૨.૧૫ કલાકે સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો હતો. જોકે ત્યારબાદ ૧૨.૨૫ કલાકે વડાપ્રધાન હેલીકોપટર મારફતે એરપોર્ટ જવા નીકળી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.