૩૧ ઓક્ટોબર થી ૬ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં “સતર્કતા જાગૃતિ સપ્તાહ” ઉજવાશે

“ભ્રષ્ટાચારમુક્ત ભારત- વિકસિત ભારત” થીમ હેઠળ ઉજવણી કરાશે
ભ્રષ્ટચાર નાબૂદી માટે નાગરિકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ લાવવા “કેન્દ્રીય સતર્કતા આયોગ” દ્વારા આગામી તા. ૩૧ ઓક્ટોબર થી ૬ નવેમ્બર દરમિયાન “સતર્કતા જાગૃતિ સપ્તાહ” ઉજવવામાં આવશે.
જે અંતર્ગત રાજ્ય સરકારે પણ આ સપ્તાહ સમગ્ર રાજ્યમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત- વિકસિત ભારત’ રાખવામાં આવી છે.
સતર્કતા જાગૃતિ સપ્તાહનું આ વર્ષના વિષયને ધ્યાને લઈને તમામ વિભાગો, વિભાગો હેઠળના ખાતાના વડા અને તેમના તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાશે. જેમાં રાજ્ય સરકારના તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા પણ ફરજનિષ્ઠાના શપથ લેવડાવામાં આવશે.
આ “સતર્કતા જાગૃતિ સપ્તાહ” દરમિયાન દરેક વિભાગ, ખાતાના વડા તથા રાજ્ય સરકારના બોર્ડ નિગમોની વેબસાઈટ પર અરજદારોને તથા નાગરિકોને ઉપયોગી બને તેવી જરૂરી માહિતી મૂકવામાં આવશે. તેમજ નાગરિકોની ફરિયાદો દૂર કરવા માટે ઉપલબ્ધ સાધનો અંગેની માહિતી પણ પ્રચાર-પ્રસાર માટે મૂકાશે.
સંસ્થાઓ વોકથોન, મેરેથોન, શેરી નાટકો વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરશે કે જે સમાજના તમામ વર્ગોમાં સામૂહિક આકર્ષણ ધરાવે છે. સોશયલ મિડીયા પ્લેટફોર્મ, એસએમએસ, વોટ્સએપ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા વગેરેનો ઉપયોગ કરીને સતર્કતા જાગૃતિ અંગે માહિતીનો પ્રચાર-પ્રસાર કરાશે એમ નાયબ સચિવ, ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.