પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલિશનનો વિરોધ કરાયો

(એજન્સી)પોરબંદર, એકતરફ ગુજરાતમાં બેટ દ્વારકામાં સતત ચાર દિવસથી મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ પોરબંદર જિલ્લામાં પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ ગઇકાલથી મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશનને લઇને લઘુમતી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પોરબંદરના મેંમણ વાળા વિસ્તારમાં ડિમોલેશનને લઇને મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા છે. લઘુમતી સમાજના લોકો ડિમોલેશનનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. તંત્ર વિરુદ્વ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં વિવાદવાળી જગ્યા પર લોકો પહોંચ્યા હતા. આથી બેકાબુ બનેલા ટોળાંને પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. હાલ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગત મોડી રાતથી પોલીસ સુરક્ષા સાથે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના દરિયાકિનારાના અલગ-અલગ ૮ સ્થળો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઇ પટ્ટી વિસ્તારના ગામોમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
જેમાં ગોસા, નવાગામ સહિતના દરિયાઇ વિસ્તારમાં મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવી તેને તોડી પડાયા હતા. તદુપરાંત સુરક્ષાને ધ્યાને લઈને પોલીસનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, બીજી બાજુ બેટ દ્વારકામાં પણ ચાલી રહેલા મેગા ડિમોલેશનની કામગીરીનો આજે ચોથો દિવસ છે.
ત્યારે બેટ દ્વારકામાં આજે ચોથા દિવસે પણ તંત્રનું બુલડોઝર ગેરકાયદે બાંધકામો પરપ્ ધણધણી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેટ દ્વારકામાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ગૌચર, ગામતળ, મરીન વિસ્તારની જગ્યાઓ પર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં ૧.૮૦ લાખ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. ૨૦ જેટલા ધાર્મિક સ્થળો સહિત ૪૫ જેટલા સ્થળો પરથી દબાણ દૂર કરાયું છે. બે દિવસ અગાઉ ડ્રગ્સ રેકેટ સાથે જાેડાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં બેટ દ્વારકામાં ડ્રગ્સ ડિલર રમઝાન ગલાનીનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે જખૌમાં પકડાયેલા ડ્રગ્સ મામલે પોલીસની તપાસમાં રમઝાનની સંડોવણી સામે આવી હતી. આ સાથે પંજરીવાળા બંધુના બંગલા પર પણ સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. અત્યાર સુધીમાં ગૌચર, ગામતળ, મરીન વિસ્તારની જગ્યાઓ પર ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે.