Western Times News

Gujarati News

ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૮નું વિમોચન

(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૮નું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, દીપાવલી એ પ્રકાશનું પર્વ છે, હજારો લાખો દીપકની પ્રકાશજ્યોતનું સોનેરી અજવાળું ચોતરફ ફેલાયેલું છે. પ્રકાશ પર્વ દીપોત્સવ સૌને નવા શુભ સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

આપણે સૌ ગુજરાતી બાંધવો સ્વયં સત્યનિષ્ઠાની જ્યોત પ્રગટાવી સદવિચારોના પ્રકાશ પાથરવાનો સાચા હૃદયથી પ્રયત્ન કરીએ એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, સૌ ગુજરાતીઓના પ્રેમ અને આશિર્વાદથી વિકાસની નવી પરિભાષા ગુજરાતે અંકિત કરી છે. ગુજરાતની પ્રગતિનું ચાલક બળ એની સાડા છ કરોડ ઉપરાંતની જનશક્તિનો જનહિતલક્ષી કાર્યોમાં વિશ્વાસ છે.

તેમણે દિવાળીના પાવન પર્વે દ્વેશ, વેરભાવ, કુવિચારોના અસુરને દુર કરીને સૌના હદયમાં સદવિચારો અને રોમેરોમ સત્યનિષ્ઠાના દિવડા પ્રગટાવવાનો ગુજરાતી બાંધવોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી અને અતિવૃષ્ટીની પ્રતિકૂળતાના વિપરિત સંજાેગોમાં પણ ગુજરાતે એની પ્રગતિની દોડને લેશ માત્ર ઢીલી થવા દીધી નથી. ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા ગુજરાતના વિકાસ મોડલના પથ ઉપર તેજ રફતારથી ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આપણે સૌ પરિશ્રમ કરી રહ્યા છીએ. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને અહીં આપણે સાથે મળીને ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા થઇ રહેલા જનજનના કલ્યાણકારી કાર્યોની સૌ કોઇને પ્રતીતિ થઈ રહી છે.

દીપોત્સવી પર્વ અને વિક્રમ સંવત ૨૦૭૯ના નૂતન વર્ષ નિમિત્તે સૌ ગુજરાતી બાંધવોને દીપાવલીની મંગળ કામના સાથે નવા વર્ષની ઊન્નતિ માટે શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ આ નવા વર્ષના આરંભે સહુ સાથે મળી દિવ્ય અને ભવ્?ય ગુજરાતના નિર્માણ માટે તથા ગુજરાતની વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યઓ સર્વ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતુભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, કિરીટસિંહ રાણા, જગદીશભાઇ વિશ્વકર્મા, જીતુભાઇ ચૌધરી, મુકેશભાઇ પટેલ, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ ગૃહ રાજકુમાર, માહિતી સચિવ મતી અવંતિકાસિંહ ઔલખ, માહિતી નિયામક આર. કે. મહેતા વરિષ્ઠ માહિતી અધિકારીઓ સર્વ અરવિંદભાઇ પટેલ, પુલકભાઇ ત્રિવેદી, જગદીશભાઇ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.