ડોલર સામે રૂપિયો તૂટ્યો: 82.33ના નવા નીચા સ્તરે

અમદાવાદ, ભારતના વિકાસ દરના અંદાજમાં કાપ, સતત વ્યાજ દર વધારો, મોંઘવારી સહિતના પડકારો વચ્ચે રૂપિયો પણ ધડાધડ નીચે સરકતો હોય તેમ આજે 82નું લેવલ તોડી નાખ્યુ હતું અને 82.33ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ઉતરી ગયો હતો.
વિશ્ર્વ બેન્કે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં 1 ટકાનો કાપ મુકીને 6.5 ટકા કરી જ નાખ્યો છે. વૈશ્ર્વિક વિકાસ દર પણ 3.2 ટકાને બદલે 2.9 ટકા થવાનું જાહેર કરવામાં આવ્યું છે. અનેકવિધ આર્થિક પડકારો વચ્ચે આર્થિક વિકાસ જાળવવાનું દુનિયાના તમામ દેશો માટે મુશ્કેલ બની રહેવાનું છે અને આર્થિક મંદીનું જોખમ સતત વધતું રહેવાનો સૂર દર્શાવાયો છે.
આર્થિક ક્ષેત્રના વિવિધ પડકારો વચ્ચે ડોલર સામે ભારતીય રુપિયો કેટલાક વખતથી સતત દબાણ હેઠળ રહ્યો જ છે. આજે ઉઘડતામાં જ ફરી એક વખત જોરદાર ધોવાણ થયું હતું. પ્રારંભિક કામકાજમાં જ ડોલર સામે 44 પૈસા ગગડીને 82.33ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ધસી ગયો હતો. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત રુપિયો 82ની નીચે ગયો છે. 82.19 ખુલ્યા બાદ વધુ તૂટીને 82.33 થયો હતો.
જાણકારોએ કહ્યું કે અમેરિકી ફેડરલ રિઝર્વના વડાએ એક વધુ એક વખત ચિંતાજનક નિવેદન આપ્યું હોવાથી ગભરાટ સર્જાયો હતો. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વધુ વ્યાજ દર વધારવા પડશે તેવા વિધાનથી આર્થિક નીતિ હવે આકરી બનવાના આશાવાદ પર પાણી ફરી વળ્યું હતું. એમ કહેવાય છે કે ડોલરની ડીમાંડને પહોંચી વળવા માટે અનેક ભારતીય બેન્કોએ મોટા પ્રમાણમાં ડોલરની ખરીદી હતી. આ સિવાય એક વિદેશી બેન્કે 1 અબજ ડોલર ખરીદ કર્યા હોવાનું પણ કહેવાતુ હતું તેને કારણે દબાણ વધી ગયું હતું.
ક્રૂડ તેલ ફરી વધવા લાગ્યુ છે અને તે વધુ એક વખત 100 ડોલરને પાર થઇ જવાના સંજોગોમાં ભારતીય રુપિયા પર દબાણ હજુ વધશે અને વધુ નીચે જઇ શકે છે. ક્રૂડ તેલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 11 ટકાનો વધારો થયો છે અને આજે 93 ડોલરથી વધુ થયુ હતું. આ સિવાય બોન્ડ યિલ્ડમાં પણ વધારો થવાને પગલે દબાણ વધ્યું હતું. ડોલર ઇન્ડેક્સ પણ ઉંચકાઈને 112.12 થયો હતો.