ખાનગી બસમાંથી પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઈસમ ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનની જુની ચેક પોસ્ટ ઉપરથી પોલીસે ખાનગી બસમાંથી મુસાફર પાસેથી દેશી પિસ્તોલ તથા જીવતા કારતુસ કબ્જે કર્યા છે. સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
ગતરોજ સેવાલીયા પોલીસ વાહન ચેકિંગ દરમ્યાન ઇન્દોરથી અમદાવાદ તરફ જતી ઉર્વશી ટ્રાવેલ્સ લકઝરી બસને અટકાવી હતી. જેમા એક શંકાસ્પદ ઈસમને નીચે ઉતરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ વ્યક્તિની પુછપરછ હાથ ધરતાં તેણે પોતાનું નામ આકાશ લક્ષ્મણરાવ મુંડે રહે.નાથનગર, હનુમાનજી મંદિર પાસે થાના-નાથનગર તા.જી.ભાંગલપુર (બિહાર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની પાસેથી એક ભારતીય હાથ બનાવટની લોખંડની દેશી પિસ્ટલ નંગ-૧ કિમત રૂપિયા ૫ હજાર તથા જીવતા કારતુસ નંગ-૬ કિંમત રૂપિયા ૩ હજાર તથા લોખંડનુ મેગઝીન નંગ-૧ કિમત રૂપિયા ૧ હજાર મળી કુલ રૂપિયા ૧૧ હજાર ૭૫૦ના મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ વ્યક્તિ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.