Western Times News

Gujarati News

મારાં જીવનના અનેક ઉતાર-ચઢાવમાં પરિવાર કરતાં સૌથી પહેલાં ફોન પ્રમુખસ્વામીનો જ આવ્યો: અમિત શાહ

અમદાવાદ, અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. પીએમ મોદીએ બુધવારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું.

જેની માટે ૬૦૦ એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અને તેમના હસ્તે  માનવ ઉત્સવનો પ્રારંભ થયો હતો. ૧ મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.

અમિત શાહે જણાવ્યું હતું કે,  પ્રમુખસ્વામી નગર ખાતે પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી મહોત્સવમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. વાત્સલ્યની મૂર્તિ પ્રમુખ સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવી અને માનવ સેવાનો સંદેશ સૌને આપ્યો. જનકલ્યાણ પ્રત્યે એમનું સમર્પણ અને ઉપદેશો હંમેશા પ્રેરણારૂપ રહેશે.

ભગવાન સ્વામી નારાયણે આદર્શ જીવનના મૂલ્યો તેમજ જટિલ આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષાપત્રીમાં સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરીને વિશ્વને આપવાનું કામ કર્યું અને પ્રમુખસ્વામી મહારાજે આ સંદેશને પોતાના જીવનમાં ઉતારીને કરોડો લોકો સુધી પહોંચાડ્યો.

મારાં જીવનના અનેક ઉતાર-ચઢાવમાં પરિવાર કરતાં સૌથી પહેલાં ફોન પ્રમુખસ્વામીનો જ આવ્યો છે. ઘણી બધી ચિંતા, ઉપાધિ, પ્રશ્નો લઈને તેમની પાસે હું જતો અને શાંતિ, ચેતના, ઊર્જા લઈને પાછો જતો.

20મી અને 21મી સદીમાં સન્યાસી પરંપરાને પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ જીવિત કરવામાં પ્રમુખસ્વામીનું મહત્વનું યોગદાન છે. આ સન્યાસી પરંપરાએ દેશને અનેકવિધ સંકટોથી બહાર કાઢી છે.

મહત્વનું છે કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ૧ મહિના સુધી ચાલશે, જેમાં રોજ ૧ લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા હતા અને મિત શાહે પ્રમુખ નગર નિહાળ્યું હતું. આ મહોત્સવમાં ભાગ લેવા અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ થોડા અંતર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ અહીં પ્રમુખ સ્વામી નગરીમાં પણ પ્રેમવતી કેફે તૈયાર કરવામાં આવ્યા છે.

જેની ખાસિયત એ છે કે આ તમામ ૩૦ પ્રેમવતી કેફે મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ ૩૦ પ્રેમવતી કેફેમાં ૩૦૦૦ થી વધારે મહિલાઓ કામકાજ સંભાળી રહી છે. નાસ્તા-પાણીની ડિલિવરી, બિલિંગનું કામકાજ મહિલાઓ અને યુવતીઓ કરી રહી છે. જ્યાં વ્યાજબી ભાવે નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.