આહવા-દેવમોગરા નવા બસ રૂટનો પ્રારંભ કરાવતા વિધાનસભાના નાયબ દંડક
(ડાંગ માહિતી): આહવાઃ આદિવાસી સમાજના કુળ દેવી તથા સૌની આસ્થાના કેન્દ્ર એવા ‘યાહા મોગી’ તીર્થ ક્ષેત્ર દેવમોગરા સુધીની સીધી બસ સેવા, રાજ્યનાં છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાથી શરૂ થવા પામી છે. ડાંગના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા-દેવમોગરા નવીન બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ વેળા ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા તથા નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આહવાથી દરરોજ બપોરે ૧૨ઃ૫૦ વાગ્યે ઉપડનારી આહવા-દેવમોગરા લોકલ બસ આહવાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સેલંબા, સાગબારા થઈ સાંજે ૭ઃ૩૦ વાગ્યે દેવમોગરા પહોંચી રાત્રી રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે વહેલી સવારે ૫ વાગ્યે આજ રૂટ ઉપરથી રિટર્ન થઈ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે આહવા ખાતે આવી પહોંચશે. ? ૧૧૭/- ના લોકલ ભાડે શરૂ કરાયેલા આ રૂટ બદલ, શ્રી વિજયભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સહિત, આ રૂટના રજુઆત કર્તાઓ, અને સંચાલકોનો આભાર વ્યક્ત કરી, સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.