ઓટોમેટિક મશીનમાં બનશે પ્રસાદના છ લાખ લાડુ
તિરુપતિ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (ટીટીડી) દુનિયાનું સૌથી ધનિક હિન્દુ મંદિર છે. હવે મંદિર ટ્રસ્ટના બોર્ડે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરફ મીટ માંડી છે.
મંદિરમાં પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવતાં લાડુ બનાવવા માટે ઓટોમેટિક મશીન લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં આ મશીન આવી પણ જશે. લાડુ બનાવવાની પ્રક્રિયા ઓટોમેટિક કરવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ઓસ્ટ્રેલિયા, જર્મની અને સ્વિત્ઝરલેન્ડથી આશરે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ઓટોમેટેડ હાઈ-એન્ડ મશીનરી ઈમ્પોર્ટ કરશે.
શુક્રવારે ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર એ.વી. ધર્મા રેડ્ડીએ પત્રકારો સાથે વાત કરતાં માહિતી આપી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મશીનરી દાન કરવા માટે તૈયાર હતી.
લાડુને મેન્યુઅલી લંબગોળાકાર આકાર આપવા ઉપરાંત લાડુ બનાવવાની આખી પ્રક્રિયા ઓટોમેટિક થશે. નવા મશીનોની મદદથી લાડુ બનાવવાની ક્ષમતા બમણી થઈ જશે. જેથી દૈનિક ૬ લાખ જેટલા લાડુ બનાવી શકાશે. આખી પ્રક્રિયાના કારણે વધુ હાઈજેનિક અને સ્વાદિષ્ટ લાડવા બનશે. સાથે જ લાડુ પ્રસાદમની ગુણવત્તા અને પ્રમાણ બંને વધશે, તેમ એ.વી. ધર્મા રેડ્ડીએ વધુમાં ઉમેર્યું.
છેલ્લા કેટલાય દશકાઓથી લાડુ પ્રસાદમ બનાવવાનું કામ હાથથી થાય છે ત્યારે હવે નવા મશીન આવતાં ગુણવત્તા અને જથ્થો બંને વધશે, તેમ ધર્મા રેડ્ડીનું કહેવું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન લાડુ પ્રસાદ વેચીને મંદિરને ૩૬૫ કરોડ રૂપિયાની આવક થશે તેવો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટનો અંદાજાે છે.