કેન્દ્ર તેના વિરોધીઓનો અવાજ દબાવી રહી છે : સંજય રાઉત
મુંબઈ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ અંગે આમ આદમી સહિત વિપક્ષના અનેક નેતાઓ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. હવે ઉદ્ધવ સેનાના સાસંદ સંજય રાઉતે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સિસોદિયા વિરુદ્ધ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી તેના પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, કેન્દ્ર સરકાર પોતાના વિરોધીઓનો અવાજ દબાવી રહી છે.
રાઉતે કહ્યું કે, જે લોકો સરકાર સામે સવાલ કરી રહ્યા છે તેને ઈડીઅને સીબીઆઈનો ડર બતાવીને ધરપકડ કરવામાં આવી રહી છે. રાઉતે કટાક્ષ કરતા કહ્યું કે, બીજેપીમાં તમામ લોકો હિમાલયથી આવેલા સાધુ છે. જીવન વીમા (એલઆઈસી), એસબીઆઈ, એલઆઈસીનો કોણે લૂંટી? મનીષ સિસોદિયા હોય કે રાહુલ ગાંધી આ બધા સરકારને સવાલો પૂછી રહ્યા છે. તેથી જ તેમની સાથે આવું થઈ રહ્યું છે.
રાઉતે વધુમાં કહ્યું કે, ભાજપ ગમે તેટલું જુલમ કરે. અમે અવાજ ઉઠાવતા રહીશું અને અમારી પાર્ટી મનીષ સિસોદિયા સાથે ઉભી રહેશે. બીજી તરફ સીબીઆઈસૂત્રોએ દાવો કર્યો છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે બપોરે ૨ઃ૦૦ વાગ્યે કોર્ટમાં હાજર કરવામાં આવશે. સીબીઆઈતેમને કોર્ટમાં હાજર કરતા પહેલા તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરાવશે.
આમ આદમી પાર્ટી પણ આ મામલે કન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારે ગઈ કાલે આમ આદમી પાર્ટીના લગભગ ૮૦% નેતૃત્વની ધરપકડ કરી હતી. ડઝનો ધારાસભ્ય, પાર્ષદ, લોકસભા ઈન્ચાર્જ અને જિલ્લા અધ્યક્ષ પોલીસ કસ્ટડીમાં છે. લોકતંત્ર અને આઝાદી માટે આ સંકેત યોગ્ય નથી. SS2.PG