Western Times News

Gujarati News

ઇચ્છાઓની કોઈ સીમા નથી

એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું તે જીવણને ટૂંકુ થાય…
જીવણને તો જાેઈએ લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં પરભુ તોય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય…
આશાનું એક સરસ ખિસ્સુ પરભુ માપે મૂકે,
જીવણને લાલચ મુકવા ઇ ખૂબ ટૂંકુ પડે,
નવી ભાતના ખીસ્સા પરભુ રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય…..
કોલર ઊંચા રાખવાનો જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે અહમ માપમાં રાખો,
પણ એમ જીવણ કાંઇ પરભુનું બધુંય માની જાય?
એક ડોસાને દરજી સાથે રોજ કજિયો થાય…..
કંટાળીને પરભુ એ અંતે બીલ મોટું આપ્યું ,
જાેતા જ જીવણની બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ પરભુના માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે હવે ન કજિયો થાય….
– કેતન ભટ્ટ

કેતન ભટ્ટની કવિતા મનને ગમે તેવી હોય છે સાથે સાથે મીઠી ટકોર પણ મનને કરી જાય તેવી હોય છે.તેઓ ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવે છે.તેમને નાટકો લખવામાં વિશેષ રુચી છે.તેઓ ૪૦ વર્ષથી કવિતાઓ લખે છે.તેઓ રેડિયોમાં બી હાઇ આર્ટીસ્ટ તરીકે પણ કામ કરે છે.તેમની કવિતાઓ અને લેખ સમાચાર પત્ર તેમજ મેગેઝીનોમાં પ્રકાશિત થતા રહે છે.તેમની કલમ કાગળ પર ઘારદાર ચાલે છે.આમ તો તેઓ બિઝનેસ મેન છે પણ સાહિત્ય પ્રત્યે તેમને ઉંડો રસ છે.તેઓ સોલાર વિન્ડ જેવી રિન્યુએબલ એનર્જીના કન્સલટન્ટ તરીકે કામ કરે છે.તેઓ સાહિત્ય અને સંગીતમાં ઉંડો રસ ધરાવે છે.તેમની કવિતાઓ તેમના ભાવકો અને ચાહકોના મનમાં વસે છે.તેમની આ કવિતા જીવન જીવવાની ફિલસુફી વ્યક્ત કરી જાય છે…

આપણે પ્રભુ પાસે ફરિયાદનો ટોપલો લઇને જ જઇએ છીએ.તમે પ્રતિષ્છા ન આપી, તમે સમૃધ્ધિ ન આપી, મારા દિકરાને ફોરેન જવાની તક ન આપી…આવી ઘણી ઘણી ફરિયાદો આપણે કરતા જ હોઇએ છીએ. આપણે તો પ્રાર્થના કરીએ એમાં પણ કંઇક ને કંઇક માંગતા જ હોઇએ છીએ. એમણે જે કંઇ આપ્યું છે એનો આભાર માનવો જાેઇએ.
આપણી ઇચ્છાઓની કોઇ સીમા નથી.ખરેખર આપણે આપણી ઇધુરી રહી ગયેલી ઇચ્છાઓ પુરી કરવા નવો જન્મ લીધો હોય, પણ થાય છે એવું કે એ અધુરી ઇચ્છા પુરી કરવા પાછળ નવી અનેક બીજી ઇચ્છાઓ આકાર લઇ લેતી હોય છે. આપણું મન આપણને સમજાવે કે માપમાં રહેવું સારું.ઓછી જરુરીયાત અને સાદગીથી રહેવું જ સારું છે,પણ દિમાગ માને તો ને? નવીનતા અને આધુનિકતાના નામે આપણે નવી ઇચ્છાઓ મનમાં આવ્યા જ કરે છે.

ઇશ્વર નવી આશાનું કિરણ રોજ આપે પણ મનને તો એ ઓછુ જ પડે. રોજ નવી સવાર આપણને કંઇક નવું કરવાની તક મળે છે.આપણે તેને ભુતકાળને યાદ કરીને ભવિષ્યના સપના જાેવામાં વ્યતિત કરી દઇએ છીએ.અંતે આપણા હાથમાં કંઇ આવતું નથી.ઇશ્વર નવી ભાતના ખીસ્સા રોજ બતાવે છે. લાલચથી આપણે એ ખીસ્સાને ભરવા માટે બીજાને છેતરીએ,બીજાની પીઠમાં ખંજર ભોંકીએ અને નવો દિવસ આમ જ ખોઇ નાખીએ છીએ. કોલર ઉંચો રાખીને બધે માન અકરામ પામવાનો બધાને ધખારો. માન પામવા લોકો ખોટુ કરતા પણ અચકાતા નથી.ખુરસી માટે પોલીટીક્સ કરીને સારા માણસને હેરાન પરેશાન કરી દે છે. માનવતાના કોઇ નિયમો રહ્યા છે. લાગણી ઇમાનદારી હવે ઘટી ગઇ છે.લોકોને શોર્ટકટ જાેઇએ છે.

સારુ છે કે ઇશ્વર આપણી પાસેથી કોઇ બિલ નથી લેતો.પાણી,હવા અને શ્વાસ જે અમુલ્ય છે એની કોઇ કિંમત નથી.અગર તેણે બિલ મોકલવા લાગ્યા તો આપણી તાકાત નથી કે તેનું એક બિલ પણ ભરી શકીએ.ઇશ્વરે જેવું બિલ મોકલવાનું શરુ કરશે કે તરત જ આપણા સૌના રાજીનામા આવી જશે…. અંતની અટકળઇશ્વરે આપણને આ અમુલ્ય જીવન આપ્યું છે કે તેનો ઉપયોગ સારા કામમાં કરવો જાેઇએ.સૌની સાથે રહીને સારું કામ કરવું જાેઇએ.લોકોની મદદ કરવી જાેઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.