Western Times News

Gujarati News

હું તો ડાકોરથી આવું છું, જુઓ ભગવાનના મગજની લાડુડીનો પ્રસાદ !

“મનસુખરામ તો હતા નહીં, ડાકોર ગયેલાં તો આવ્યાં ક્યાથી ?”

“જીવનની અધ્યાત્મિક બાજીને ખીલવી, ઉદાત્ત વિચારો આત્મસાત કરી, જીવનના કર્મઠ માનવી તરીકે જિંદગી જીવી જનાર એક શિક્ષકની આ વાત છે. હજુ તો સૈકો પણ પસાર થયો નથી ત્યારે આ શિક્ષક અગોચર માર્ગના પ્રવાસી બની ગયાં ! શિક્ષકનું નામ મનસુખરામ. મૂળ બામણ ગામના પણ કોયલી ગામે નવાસવા નોકરી કરવા આવ્યા હતાં ! એમના પત્ની ઉજમબા પણ સંસ્કારની સરિતા જેવા. પ્રાથમિક શાળામાં મનસુખરામની નોકરી. નોકરીને તે સેવા ગણે. વર્ગમાં ઓછું ને મેદાનમાં વધારે બેસે ! છોકરાંઓનું કૂંડાળું બનાવીને વચ્ચોવચ બેસે… શિક્ષણ આપે ! સંસ્કારો આપે. ન્યાયનીતિની વાતો છોકરાંઓને કહે.

હિતોપદેશની વાતો, ઈસપની નીતિકથાઓ..ને સાથોસાથ આંક- પલાખાં તો ખરાં જ !! છોકરાંઓ સમયસર નિશાળે આવે, ભણે.. ને જુએ કે શિક્ષક સાહેબ તો કાયમ મેદાનમાં જ હોય છે ! કેટલાક વાલીઓને માટે અચરજની વાત બની ગઈ ! ગામ હોય ત્યાં ભાત-ભાતનાં માથાં હોય ! એક દ્વેષીલા વાલીએ એના બાળકને પૂછ્યું, – ‘આ માસ્તર તમને ભણાવે છે કે પછી ?’.. ને બાળક સખત વિરોધ કરતું હોય એમ એણે જવાબ આપ્યો- “અમને સરસ ભણાવે છે, જ્ઞાનની વાતો પણ કહે છે, ભગવાનની વાતો કરે છે એટલું જ નહીં પણ દર પૂનમે પોતે પણ ડાકોર દર્શને જાય છે!” વાલીને બાળકની વાત ના ગમી ! વાલીએ વડોદરાના પ્રાથમિક શિક્ષણ ઈન્સ્પેકટરને ફરિયાદ લખી મોકલાવી અને ફરિયાદમાં થોડીક અન્ય વાલીઓની સહીઓ પણ લીધી!… વળતો જવાબ આવ્યો- ‘તમારી ફરિયાદમાં વજૂદ નથી.. ખાતાએ તપાસ કરી લીધી છે !’ વાલીઓને ન ગમ્યું…

આ તે કેવી વાત… અમે ફરિયાદ કરીએ ને વજૂદ ન હોય ? વિરોધી વાલીઓની એક મંડળી રચાઈ અને મનસુખરામ સામે અનેક ફરિયાદો…. વાંકના મુદ્દાઓની યાદી… ને એમાં અનેક વાલીઓની સહીઓ… સાથે આગ્રહ- ‘અમારી હાજરીમાં જાતતપાસ કરો !’ ને સમય નકકી કરાવ્યો ! સમય નો દિવસ એ જ રાખ્યો જે દિવસે મનસુખરામ ડાકોરની પૂનમ ભરવા ગયા હોય.

અધિકારી તપાસાર્થે આવ્યા. દ્વેષીલાવાલીઓ સ્ટેશનથી સાહેબને ચા-નાસ્તો કરવા લઈ ગયા, આડી અવળી વાતો કરી ખાનગીમાં નિશાળમાં તપાસ કરાવી લીધી કે ‘મનસુખરામ’ નથી, એટલે આખો વરઘોડો કોયલીની શાળાએ પહોંચ્યો ! ધ્વેષીલા દંગ રહી ગયા !… મનસુખરામ ભણાવતાં ને છોકરાંઓ ભણતાં જાેયા ! અધિકારીએ વર્ગકાર્ય પણ તપાસ્યું ! છોકરાંઓને થોડા અઘરા, થોડા અટપટા સવાલો પૂછ્યા… છોકરાં સરસ જવાબો આપે ને ગજા કરતાં પણ સારા જવાબો સાંભળી અધિકારી દિગ્મૂઢ બની ગયા… અધિકારીએ પ્રભાવિત થઈને રિપોર્ટ લખ્યો ઃ- “મનસુખરામની શિક્ષક તરીકેની કામગીરી જાેઈને હું અનહદ પ્રસન્ન થયો છું!”…. ધ્વેષીલાવાલીઓના હાથ હેઠા પડ્યા પણ મનમાં પ્રશ્ન થયો – મનસુખરામ તો હતા નહીં, ડાકોર ગયેલાં… તો આવ્યાં ક્યાંથી ? ખેર… ફરી વખત !… ને અધિકારી રવાના થયા ! પણ જાેગાનુજાેગ એવો થયો કે- અધિકારીને કંઈક કામ હશે તેથી એ વડોદરા જવાને બદલે આણંદ ગયા ને આણંદના સ્ટેશને ડાકોર ગયેલા શિક્ષક મનસુખરામ વડોદરા જવા ગાડીએ બેસવા ગયા.. ત્યાં તો અધિકારીએ હમણાંજ જાેયેલો ચહેરો યાદ આવી ગયો ને આશ્ચર્ય સાથે પૂછયું- ‘હમણાં તો આપણે નિશાળે મળેલા… તમે જ કોયલીના મનસુખરામને?’… ને શિક્ષક મનસુખરામે હા પાડી.. પણ હમણાં જ સોબ કોયલીથી આવ્યા ને એ પોતે શિક્ષક મનસુખરામ એ વાત અધિકારી સાહેબના ગળે શી રીતે ઉતરે?…. મનસુખરામે કહયું- સાહેબ હું તો ડાકોરથી આવું છું.

જુઓ આ ભગવાનના મગજની લાડુડીનો પ્રસાદ !!… થોડોક પ્રસાદ અધિકારીને પણ આપ્યો !…. વાત વિપતની ભારી.. આવી તે કોની બલિહારી ? મનસુખલાલને ભગવાનનાં અનેક દ્રષ્ટાંતો યાદ આવી ગયાં- મીરાંનાં ‘ઝેર પીધાં, નરસિંહને હાર હાથોહાથ આપ્યો. ધ્રુવને અવિચળ રાજ્ય આપ્યું, પ્રહ્‌લ્લાદને તારવા અગ્નિસ્તંભ પર કીડીઓ થઈને પ્રગટ્યા ને હિંમત આપી… શું એ જ મારો નાથ તો નહીં હોય ને ? આણંદ સ્ટેશનેથી છૂટા પડેલા મનસુખરામ કોયલી આવ્યા. બધાંને આશ્ચર્ય !!.. મનસુખરામ તો ડાકોરથી આવ્યા, તો પછી શાળામાં ભણાવતું એ કોણ હતું?.. બુધ્ધિના જમાનામાં હવે ચમત્કારો તો શેના થાય ?… મનસુખરામે બધી તપાસ કરી અને એમને બધી જ વિગતોથી વાકેફ કર્યા.. મનસુખરામ મૌન બની ગયા.

અંતરમાં શાધા ધરી. પત્ની ઉજમબાને વાત કરી… અને મનમાં કાવ્ય સ્મરતા હતા- ‘હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે… જેની સૂરતા શામળિયાની સાથ વેદવેદ વાણી રે..’ મનસુખરામ મનોમન બોલ્યાંઃ “ભગવાન મારી શાળામાં આવ્યા, ભગવાને મારો વેશ લીધો, ભગવાને મારી જવાબદારી નિભાવી, એમનાં દર્શન મારા રૂપે લોકોને થયાં પણ મને જ દર્શન ન થયાં.” ભલા ભગવાને તો નાતો નિભાવ્યો,… મનસુખરામ મનોમન સમજી ગયા ! ધ્વેષીલા વાલીઓના કાવતરાનો ખ્યાલ પણ આવી ગયો ! પણ શ્રધ્ધા ગજબની બેસી ગઈ !…. એનો ભરોસો રાખીને કામ કરનારો કોઈ દિવસ પાછો ન પડે… ઉજમબા જાેડે ચર્ચા કરી લીધી ને એક દિવસ મનોમન પાકો નિર્ણય કરી માત્ર એના જ ભરોસે જીવવા, એનાં જ ચીંધેલાં કાર્યો કરવા નોકરી છોડીને પોતાને વતન બામણગામ પાછા આવી ગયા.

બામણ ગામમાં પણ શિક્ષણ સંસ્કારની કામગીરી. બામણગામમાં ંપંચકુંડી યજ્ઞ કર્યો ! સેવા સાધના ચાલુ રાખીને બામણ ગામનો વિકાસ કર્યો ! એક દિવસ એક વિચાર ઝબક્યો કે કોઈએ પ્રેરણા કરી- “જે ગામમાં ભગવાને મારે બદલે હાજર થઈને મારી ડ્યુટી બજાવી એ ગામના વિકાસ માટે અને કલ્યાણ માટે મારે કંઈક કરવું જાેઈએ…!”ને મનસુખરામે કોયલીમાં ૧૦૧ કુંડી યજ્ઞનો પોતાનો સંકલ્પ ગામ લોકોને કહયો ! સાથ સહકાર જબરો મળ્યો, ભૂમિ પવિત્ર બનાવી ! ને કોયલી ગામના લોકોના જ શબ્દોમાં -“એ યજ્ઞમાં રોજ ૧૦૧ ડબા ઘી હોમાતું. ૧૦૧ મણનો લાડવો થતો ને પંથકના આસપાસના સહુ લોકો ઉચનીચના ભેદવગર સાથે બેસીને જમતા”! શિક્ષક મનસુખરામના સૌએ આશીર્વાદ લીધા ત્યારે મનસુખરામ બોલ્યાં હતાં- ‘મારા કોયલી ગામનો અભ્યુદય થાય !!” અને સમય જતાં કોયલીની ભૂમિનાં પુણ્ય પ્રગટ્યા. એ ગામ અને ભૂમિનો વિકાસ થયો ને ત્યાં આજે વિશ્વ વિખ્યાત રિફાઈનરી બની. અનેકોને રોજી મળી. જમીનોનો વિકાસ થયો. આજે શિક્ષક મનસુખરામ નથી. ઉજમબા પણ દેવ થયાં પણ એ પ્રતાપી પુણ્યશાળી આત્માના સ્મરણમાં કોયલી ગામના તળાવની વચ્ચોવચ મનસુખરામની દેરી છે !! ગામનાં મંદિરમાં શિક્ષક મનસુખરામનો ફોટો છે ને એમની પુણ્યતિથિના દિવસે કોયલીના લોકો અણૂજાે પાળે છે. મનસુખરામ એમને મન સંત છે !!

ભગવાન પ્રત્યે ના પ્રેમનાં ક્રમનું મહત્વ્‌ નથી. ક્રિયાનું મહત્વ છે. અનુભવનું મહત્વ નથી. અનુભૂતિનું મહત્વ છે. પ્રેમનું ક્યારેય ભવિષ્ય નથી હોતું. પ્રેમનો તો બસ વર્તમાન હોય છે ! ભગવાન પ્રત્યેની ભક્તિમાં આપણે આપણુું બાહય સ્વરૂપ અને સ્વભાવ ગુમાવી રહયા છીએ. આપણું અસ્તિત્વ મિટાવી દેવાની તૈયારી સાથે જાતની વાટ ઓલવાઈ જાય ત્યાં સુધી બળતા અને સળગતા રહેવાની પ્રક્રિયા- ભક્તિ એટલે જ પ્રભુ ભક્તિ. આમ જાેવા જઈએ તો એક જ ઢબે ચાલી રહેલી મોનોટોનસ અને નીરસ જિંદગીને પ્રભુ પ્રત્યેની પ્રેમપૂર્વકની ભક્તિ એક રસપ્રદ ક્રિયા છે ! બખ્તતર પહેરીને યુધ્ધ કરી શકાય પણ ભક્તિ નહીં ! ભક્તિ તો મોકળામને ‘જે થવાનું હશે તે થશે’- એ સમજની તૈયારી સાથે ! પ્રભુ ભક્તિ આપણાં અહમ્‌ને ભૂંસવાનું કામ કરે છે. વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવી બેસે- અને એ ભક્તિમાં જ્વાળાઓ હોય કે અસહય આપત્તિઓ હોય એમાં ઓગળી જવા માટેની શરત સ્વયમ્‌ના અહમ્‌ને ખંડિત થવું- અનિવાર્ય છે ! ભક્તિ મારો ધર્મ છે અને પ્રભુ તું મારો ધર્મગ્રંથ છું ! પ્રભુને અનુભવવા માટે એમના માટેની પ્રીત જ આપણને એમની અનુભૂતિ અને એમની સૂક્ષ્મ હાજરીનો અહેસાસ કરાવી દે છે !

ખિડકી
આ જગત પરીક્ષા ભવન છે.
આ જીવન ઉત્તર વહી છે.
આપણે સૌ પરીક્ષા આપનાર છીએ.
ઈશ્વર એક પરીક્ષક છે.
બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા
એ… પરીક્ષાના ત્રણ કલાક છે !
કાળ નામનો એક સેવક ત્રણ કલાક પૂરા થતાં
જાેર જાેરથી ઘંટ વગાડે છે,
છેલ્લો ઘંટ વાગતાં પરીક્ષા
ખંડ છોડવો પડે છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.