Western Times News

Gujarati News

મનની શાંતિ ક્યાંથી અને કેવી રીતે મળી શકે ?

બધી જ રીતે સુખ હોવા છતાં મનની શાંતિ મળતી હોતી નથી. આનાથી ઉધું જે લોકો પાસે કશું જ નથી તે લોકોને કોઈ જ અશાંતિ નથી.

“કૌશિકભાઈ ૪૭ વર્ષના છે. પૈસે ટકે સુખી છે, ઘરમાં પણ દેખીતી શાંતિ છે. સારી નોકરી છે. બે દીકરા છે. એક દીકરાની સગાઈ થઈ ગઈ છે. બીજાે ભણે છે છેલ્લા એક બે વર્ષથી કૌશિકભાઈ ને મનથી બરાબર લાગતું નથી. પહેલાં જેવી મઝા નથી આવતી. કોઈની સાથે વાતચીત કરવી ઓછી ગમે છે. પોતાને જ એવું લાગે છે કે કાંઈક ખૂટે છે. પહેલા જેવી જીંદગી રહી નથી. ક્યારેક એવા વિચાર પણ આવે છે કે મન હળવું કેવી રીતે થઈ શકે? કલીનીકમાં આવીને ફકત એકજ ફરિયાદ કરતા હતાં કે બરાબર લાગતું નથી. ક્યાંક કશું થઈ તો નહિ જાય ને ? કૌશિકભાઈ અવારનવાર ગભરાઈ જાય છે .”

“રીમાની ઉંમર ૩૯ વર્ષની છે. લગ્ન થયે ૧૪ વર્ષ થયા. એક દીકરી છે. સ્કુલમાં ભણે છે તેના હસબન્ડને સારો બીઝનેસ છે. પરંતુ આખો દિવસ વ્યસ્ત રહે તો હોય છે, કુટુંબમાં અત્યારે ફકત ત્રણ જ જણાં છે રીમાના સાસુ-સસરા ગુજરી ગયા છે. રીમાને પણ કોઈ ભાઈ-બહેન નથી- અને તેના હસબન્ડ પણ એકનો એક છોકરો છે. રીમા છેલ્લા એક વર્ષથી શરીરમાં કાંઈકની કાંઈક નાની મોટી તકલીફથી હેરાન થાય છે. તેનો હસબન્ડ તેની કાળજી તો લે છે પરંતુ રીમાને એવું લાગતું હોય છે કે તે ફકત તેની ફરજ જ બજાવે છે. કલીનીકમાં રીમા એવું જ કહેતી હતી કે ઘર ખાલી ખાલી લાગે છે. હસબન્ડ કાળજી લે છે પરંતુ ઉપર છલ્લી હોય તેવું દેખાય છે. રીમા સતત મનથી અશાંત રહે છે. એક સવાલ એવો પણ હતો કે કોઈ દવા હશે કે જેનાથી મન શાંત રહે – કોઈ વિચાર જ ના આવે.”

વાંચક મિત્રો- ઉપર જે બે કિસ્સાનું વર્ણન કર્યું તેવી જ તકલીફ અત્યારે ઘણા બધા લોકોની હોય છે જયાં ને ત્યાં માનસીક શાંતિ માટેની કથાઓ ચાલતી હોય છે. વ્યાખ્યાનો ચાલતા હોય છે. શીબીરો યોજાતી રહે છે. પ્રવચનો ગોઠવાય છે. મનની શાંતિ માટે અસંખ્ય લેખો વાંચવા મળે છે. પુસ્તકો છપાય છે. ધાર્મિક સ્થળોમાં જાતજાતની પ્રાર્થનાઓ, ભજન, કિર્તન, વિ.વિ. સતત ચાલતા જ હોય છે. ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગેલા હોય છે કે મનની શાંતિ માટે ભાગ લો આનો શું અર્થ થયો ? અત્યારની જીંદગીમાં મોટાભાગના લોકો ક્યાં ને ક્યાં, કયારેક માનસીક અશાંતિથી પીડાતા હોય છે. બધી જ રીતે સુખ હોવા છતાં મનની શાંતિ મળતી હોતી નથી. આનાથી ઉધું જે લોકો પાસે કશું જ નથી તે લોકો ને કોઈ જ અશાંત નથી. આરામથી ફૂટપાથ ઉપર ઘસઘસાટ ઉંઘતા હોય છે.

મૂળ સવાલ એ છે કે આપણને મનની શાંતિ જાેઈતી હોય તો ક્યાંથી અને કેવી રીતે મળી શકે ? કલીનીકમાં જેમ શરૂઆતમાં બે કેસનું વર્ણન કર્યું. તે ફકત દાખલાઓ જ છે. અસંખ્ય લોકોને મન શાંત રાખવું છે. બહાર અનેક પ્રયત્નો કરવા છતાં મનની શાંતિ મળતી નથી- અથવા કામચલાઉ સમય માટે મન શાંત રહે છે. હકીકતમાં મન શાંત રાખવું હોય તો એ આપણાં જ હાથમાં છે. મનોચિકિત્સા શાસ્ત્રમાં કહ્યંુ છે કે વ્યક્તિ પોતે જ પોતાનું મન શાંત રાખી શકે છે. પોઝીટીવ વિચારો, હકારાત્મક વર્તન, શુધ્ધ વાણી અને સમતોલ આહાર જાે વ્યક્તિ પોતાના આચરણમાં ઉતારે તો ચોકકસપણે મનથી શાંત રહી શકાય છે. જરૂર જણાય તો નિષ્ણાંત અથવા અનુભવી વ્યક્તિઓની સલાહ સુચન લઈ શકાય- પણ અંતે તો જાતે જ વ્યક્તિ પોતાની જ રીતે મન શાંત રાખી શકે છે. સારી ટેવો, યોગ્ય કસરત, યોગ, સંગીત, અથવા અન્ય શોખ ધ્વારા પણ મન શાંત રહી શકે છે. ટુંકમાં બહાર મનની શાંતિ મળતી નથી, મનની શાંતિ જાતે જ મેળવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.