Western Times News

Gujarati News

વલસાડના ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ મહિલા દિનની રંગોત્સવ સંગે ઉજવણી

(પ્રતિનિધિ) વલસાડ, મહિલા સશક્તિકરણને વધુ સઘન બનાવવા અને છેવાડાના વર્ગની સ્ત્રીઓને સન્માન મળે તે હેતુથી વલસાડ તાલુકાના ચણવઈ ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશિષ્ટ રીતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

શુષ્ક નારીવાદના બદલે પ્રકૃતિના ઉભય તત્વોનું સુમેળરૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સર્વ ધર્મ સમભાવ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય ચણવઈ ગામમાં રહેતી ધાત્રીમાતા બિંદિયા પટેલે કર્યુ હતું. કાર્યક્રમમાં દરેક કર્મચારીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવતી કલાકૃતિ રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હસ્તકલા, ચિત્રકળા, શિલ્પકૃતિઓ, ગાયન, નૃત્યો અને નાટકોની સુંદર કલાત્મક સ્વરૂપે રજૂઆત થઈ હતી. સાંસ્કૃતિક રૂપે હોળી ગીતો, રાધા કિશનની નૃત્ય નાટિકા પણ ભજવવામાં આવી હતી.

ચણવઈ પીએચસીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ પણ ખૂબ સુંદર કલાકૃતિ આગવી રીતે રજૂ કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આરોગ્ય ખાતાના કર્મચારી ભાઈઓએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ચણવઈ પીએચસી દ્વારા ઉજવાયેલો વિશ્વ મહિલા દિવસ સમાજ પરિવર્તન માટે પ્રેરકરૂપ રહ્યો હતો. આ સાથે આરોગ્ય કર્મચારીઓનું આરોગ્ય સેવા માટે સન્માન પણ કરવામાં આવ્યું હતું. કિશોરીઓને ઉપયોગી વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી. સગર્ભા માતાઓને ગોળ અને દૈનિક વપરાશની વસ્તુઓ પણ નિઃશૂલ્ક આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.