ભારે પવન સાથે કરાનો વરસાદ અરવલ્લીના ખેડૂતો પર પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો

(પ્રતિનિધિ) બાયડ, ઉનાળાની શરૂઆત ખેડૂતો માટે આફતરૂપ બની રહી છે રાજ્યમાં ઠેર ઠેર બે દિવસથી કમોસમી વરસાદ થતા ચોમાસા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાયા પછી મોડાસા તાલુકાના ટીંટોઈ, દધાલિયા, ઉમેદપુર સહીત પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કરાનો વરસાદ થતા ખેતરમાં ઉભા તૈયાર પાકનો સોથ વળી જતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાયો છે ભિલોડા તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી હતી.
અરવલ્લી જીલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી બજારોમાં અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેવા લાગ્યું હતું ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાતા ખેતરમાં ઉભા ઘઉં સહીત પાકનો કચ્ચરઘાણ નીકળી જતા ખેડૂત પરિવારો રીતસર હેબતાઈ ગયા છે સતત કમોસમી વરસાદે ખેડૂતોના મહામુલા પાકને નષ્ટ કરી દેતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂત અને તેનો પરિવાર મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ દિવસ-રાત કાળી મજૂરી કરી પાક લણવા ટાણે કુદરત રૂઠતા ખેડૂતોને ખર્ચ માથે પડતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે સરકાર દ્વારા કમોસમી માવઠાનો ભોગ બનેલ વિસ્તારમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવવામાં આવેની માંગ કરી રહ્યા છે.
ભિલોડા પંથકમાં ફાગણમાં અષાઢી માહોલની જેમ તોફાની વરસાદ ખાબકતા ખેતીને વ્યાપક નુકશાન થયું છે ભારે પવનના પગલે વીજળી ડૂલ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.