Western Times News

Gujarati News

ભાવનગરમાં ભાણવડ, સારીંગપુર અને સુખપર ખાતે નવા ત્રણ વીજ સબ સ્ટેશન બનશે

પ્રતિકાત્મક

ગુજરાતમાં વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૨ સુધીમાં માત્ર ૭૦૫ વીજ સબ સ્ટેશન જ બન્યા, જ્યારે ૨૦૦૨ થી ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં નવા ૧૫૫૬ વીજ સબ સ્ટેશન બન્યા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

બે વર્ષમાં ભાવનગર અને દાહોદ જિલ્લામાં કુલ રૂ. ૯૬૪૭.૭૫ લાખના ખર્ચે નવા ચાર-ચાર વીજ સબ સ્ટેશન કાર્યાન્વિત કરાયા

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને વધુ વળતર ચૂકવવાના નિર્ણયથી વળતરમાં પાંચ ગણો વધારો-દાહોદ જિલ્લામાં ૬૩૮ ખેડૂતોને રૂ. ૧૩૧૮ લાખ જેટલું વળતર ચૂકવ્યું

વિધાનસભા ગૃહ ખાતે ભાવનગર અને દાહોદ જિલ્લામાં નવા વીજ સબ સ્ટેશન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ માં મળી ભાવનગર જિલ્લામાં કુલ રૂ. ૭,૧૮૨.૧૯ લાખના ખર્ચે નવા ચાર વીજ સબ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે દાહોદ જિલ્લામાં રૂ. ૨૪૬૫.૫૬ લાખના ખર્ચે નવા ચાર વીજ સબ સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૨ સુધીમાં ગુજરાતમાં માત્ર ૭૦૫ વીજ સબ સ્ટેશન જ બન્યા હતા. જેની સામે ૨૦૦૨ થી ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં નવા ૧૫૫૬ વીજ સબ સ્ટેશન બન્યા છે. ભાવનગર જિલ્લામાં આગામી બે વર્ષ દરમિયાન ભાણવડ, સારીંગપુર-દમરાલા અને સુખપર ખાતે ૬૬ કેવીના નવા ત્રણ વીજ સબ સ્ટેશન બનાવવામાં આવશે.

સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી શ્રી દેસાઈએ ઉમેર્યું હતું કે, નવા વીજ સ્ટેશનને સ્થાપવા માટે વીજ વિતરણ કંપની અને વીજ પ્રવહન કંપની માપદંડોને અનુસાર સંયુક્ત રીતે કામગીરી કરે છે. કોઈ વિસ્તારમાં નવા જોડાણ માટે માગ આવે ત્યારે, વીજ ફીડર પર લોડ વધુ હોય

ત્યારે કે પછી ફીડરની લંબાઈ વધુ હોય તેવા વિવિધ સંજોગોમાં ફીડરનું વિભાજન કરીને નવી વીજ માંગ મંજૂર કરવામાં આવે છે. પરંતુ કંટ્રોલ રૂમનું વિસ્તરણ થઇ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં ભવિષ્યની સંભવિત વીજ માંગને ધ્યાને રાખી નવા વીજ સબ સ્ટેશનને મંજૂરી આપવામાં આવે છે.

ભારે દબાણવાળી વીજ લાઈન બાબતે ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતર અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ટ્રાન્સમિશન લાઈન નાખતા સમયે ખેડૂતોને થયેલ નુકસાનના વળતરની રકમ ઓછી હોવાની અનેક રજૂઆતો મળી હતી.

જેને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને વધુ વળતર ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે ખેડૂતોના વળતરમાં પાંચથી છ ગણો વધારો થયો છે. માત્ર દાહોદ જિલ્લામાં જ ૨૮-૨-૨૦૨૩ની સ્થિતિએ ૬૩૮ ખેડૂતોને રૂ. ૧૩૧૮ લાખ જેટલું વળતર ચૂકવવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.