Western Times News

Gujarati News

રાજસ્થાનનું સ્વીટ્‌ઝર્લેન્ડ એટલે કિશનગઢ

બરફાચ્છાદિત વાતાવરણ અને બ્લ્યૂ તળાવનાં દૃશ્યોનાં શૂટીંગ અહીં થાય છે, માર્બલ ડમ્પિંગ યાર્ડનાં કારણે આવા દૃશ્યો સર્જાયાં છે

ભવ્ય અને સમૃદ્ધ હિન્દુસ્તાનમાં હરવા ફરવા અને જાેવાલાયક સ્થળોની સૂચી પુરી થાય તેમ નથી. કાશ્મીરથી કન્યાકુમારી અને ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધી અત્યારે હિન્દુસ્તાન દબદબાભેર જીવી રહ્યું છે પરંતુ એક સમયે હિન્દુસ્તાનના નરબંકાઓ ક્યાં સુધી ઝંડા ફરકાવી ચૂકયા હતા તે કહેવાની જરૂર એટલા માટે કે પુરાવા સામેથી બહાર આવીને ઈતિહાસ કહી રહ્યા છે. હિન્દુસ્તાનના વૈવિધ્ય સંદર્ભે એક વાત બહુ જાણીતી નથી અને એ છે કે, રાજસ્થાનમાં સ્વીટ્‌ઝર્લેન્ડ જેવું દૃશ્ય.
રાજસ્થાન તો ગુજરાતનું પાડોશી રાજય છે. રાજસ્થાનમાં ઉનાળો અતિ આકરો એ બધા જાણીએ છીએ. રાજસ્થાન ડુંગરાળ રાજય છે અને વિશાળ રણ પ્રદેશ પણ ધરાવે છે તો પછી આવા રાજયમાં સ્વીટ્‌ઝર્લેન્ડ જેવું કઈ હોય જ નહીં તેવું સ્વાભાવિક રીતે જ સૌ બોલી ઉઠે. મજાની વાત એ છે કે, એ વાત સો ટકા સાચી જ છે પરંતુ રાજસ્થાનમાં એક જગ્યા એવી છે, જયાં બરફાચ્છાદિત પ્રદેશ જેવા દૃશ્યો ઉભર્યાં છે. કેટલીય ફિલ્મોના શુટિંગ પણ ત્યાં થયા છે. ખાસ કરીને ગીતના દૃશ્યો કંડારાયા છે. વીડિયો આલ્બમ, પ્રિવેડિંગ શુટિંગ પણ ખૂબ થયા છે.

વાત કિશનગઢ ડમ્પિંગ યાર્ડની છે. આ જગ્યા અત્યારે તો એટલી મશહૂર થઈ ગઈ છે કે, સવારથી સાંજ સુધી પ્રવાસીઓની આવ જા પણ થતી રહે છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં કિશનગઢ શહેર આવેલું છે. આરાસપટાણ આ કિશનગઢ અને આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં છે. માર્બલ માટે જાણીતી આ જગ્યામાં માર્બલની ખાણોમાં સતત કટિંગ થતું હોય છે. માર્બલનો જે પાઉડર નીકળે છે તે ડમ્પિંગ યાર્ડમાં ઠાલવવામાં આવે છે. આ કારણે ત્યાં ચારેકોર સફેદી પથરાઈ ગઈ છે કિશનગઢ માર્બલ સિટી તરીકે તો ઓળખાય જ છે.

આરસ જેને સંગેમરમર તરીકે પણ ઓળખવામાં આવે છે તે પથ્થર કપાય ત્યારે ભૂકો ખરે છે એ ભેગા કરી એક જગ્યાએ ઠલવાય છે. માર્બલનો આ સફેદ પાવડર બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવો લાગે છે. વળી, આરસ કટિંગ થયું હોય તો જગ્યા પણ બરફના પહાડ જેવી લાગે છે. આ જગ્યાએ ઢોળાવાના કારણે પાણી એકત્ર થાય એ નાનકડાં સરોવર જેવા ભાસે છે. સફેદીના કારણે જમા થયેલું પાણી બ્લ્યૂ રંગ ધારણ કરે છે આથી સમગ્ર વિસ્તાર જાણે આઈસલેન્ડ હોય તેવું દૃશ્ય સર્જાઈ જાય છે.

અજમેર જિલ્લાના કિશનગઢની માર્બલની ખાણો વચ્ચેનું આ દૃશ્ય ૩૦ર વિઘામાં ફેલાયેલું છે. યાત્રીઓને આકર્ષતી આ જગ્યામાં સવારે દસથી સાંજના છ સુધી પ્રવેશ મળે છે. ફિલ્મો માટે બરફના પહાડ, બરફની ચાદર અને બ્લ્યૂ પાણીના દૃશ્ય અહીં સસ્તામાં ઝડપથી શૂટ કરી શકાય છે. બાગી-૩, દબંગ-૩, કિસ કિસ કો પ્યાર કરું વગેરે ફિલ્મોના બરફાચ્છાદિત ગીતો દર્શાવાયા છે. કે વાસ્તવમાં કિશનગઢ ડમ્પિંગ યાર્ડમાં શૂટ થયા છે. આ જગ્યાએ ફરવા જવા ઈચ્છુકોએ કિશનગઢ માર્બલ એસોસિયેશન પાસેથી પ્રવેશની મંજુરી લેવી પડે છે. આ માટે કોઈ ફી લેવાતી નથી. ડમ્પીંગ યાર્ડ પાસે જ ઓફિસમાં સરળતાથી આ કાર્યવાહી થાય છે.

કિશનગઢ અરવલ્લી પહાડોની વચ્ચે વસેલું નગર છે. જિલ્લા મથક અજમેરથી ર૭ કિ.મી. અને જયપુરથી ૧૦૦ કિ.મી. દૂર નેશનલ હાઈવે નં.૮ ઉપર છે. કિશનગઢ અમદાવાદ વચ્ચે હાઈવે સેવા પણ છે. કિશનગઢમાં માર્બલ ડમ્પિંગ સાઈટ ઉપરાંત કિલ્લો, ફૂલ મહેલ પેલેસ, ગુંદલાવ તળાવ, ખોડા ગણેશજી મંદિર અને નવગ્રહ મંદિર પણ પ્રવાસીઓને આકર્ષે છે. માર્બલ મંડી માટે કિશનગઢ વિખ્યાત છે. માર્બલ ઉદ્યોગ સેંકડો લોકોને રોજગારી પુરી પાડે છે. માર્બલ માટે મકરાણા પણ મોટું નામ છે. જે ૬૦ કિ.મી. દૂર છે. મકરાણાનો માર્બલ પણ વેચાણ માટે કિશનગઢ આવે છે. અહીં ૭૦ ટકા માર્બલ અને ૩૦ ટકા ગ્રેનાઈટનો વ્યાપાર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.