Western Times News

Gujarati News

પૈસાથી ફોલોઅર્સ ખરીદતા ઈન્ફલુઅન્સર્સથી સાવધાન !

સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિની પોતાની એક જુદી દુનિયા છે. આ દુનિયામાં એના પોતાના જી-હજૂરિયાઓ છે

ર૭ વર્ષની સોનાલી (નામ બદલ્યું છે) ડિપ્રેશનમાં છે. એણે ઝીરો ફિંગર મેઈન્ટેઈન કર્યું છે અને છેલ્લા બે-ત્રણ વર્ષોથી એની ગણના સોશિયલ ઈન્ફલુઅન્સર તરીકે થતી હતી કારણ કે એના ઈન્સ્ટાગ્રામ પર ૧ લાખ ફોલોઅર્સ હતા. બે-ત્રણ મહિના પહેલાં અલ્ગોરિધમ બદલાયું અને એના ફોલોઅર્સની સંખ્યા ઘટીને માત્ર ૧૦૦૦ થઈ ગઈ. એણે એકાઉન્ટ હેક થયાની ફરિયાદ લખાવી. જાેકે એનું એકાઉન્ટ હેક થયું નહોતું. હવે એ ડિપ્રેશનમાં જતી રહી છે કારણ કે આ એક લાખ ફોલોઅર્સ મેળવવા એણે લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો હતો.
સોશિયલ ઈન્ફલુઅન્સર્સ. આ પ્રજાતિ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાેવા મળે છે. છેલ્લા થોડા સમયથી એમની વસ્તી અચાનક વધી ગઈ છે. આ લોકો આખો દિવસ સજી-ધજીને જુદી જુદી પાર્ટીઝ, ઈવેન્ટસ, લોન્ચ વગેરેમાં ફરતા રહે છે અને ફોટોઝ કિલક કરી કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. એના પૈસા પણ લે છે. આવું કરતાં કરતા આ પ્રજાતિ પોતાની જાતને પ્રખર સેલિબ્રિટી પણ માનવા માંડે છે. મજાની વાત એ છે કે પ૦ હજાર, ૧ લાખ, દોઢ લાખ કે ચાર લાખ ફોલોઅર્સ ધરાવતી આ પ્રજાતિ કશું પણ પોસ્ટ કરે તો એમની પોસ્ટ પર માંડ દસ-બાર-પંદર-વીસ કે વધી વધીને સિત્યોતેર લાઈકસ આવતી હોય છે (આ લાઈક્સમાં અંદરોઅંદર થયેલી લાઈક્સને પણ ગણી લેવી) કારણકે આ ઈન્ફલુઅન્સરનું ટેગ મેળવવા બધાં જ ફોલોઅર્સ એમણે પૈસાથી ખરીદેલા હોય છે.

મારે એક સવાલ પૂછવો કે તમે ઈન્ફલુઅન્સર કોને ગણશો? ફેસબુક પર, ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતું હોય એને કે જેણે જીવનમાં સાચે કંઈક ઉકાળ્યું હોય એને? હું એવું માનું છું કે તમે એમ તેમ ઈન્ફલુઅન્સર બની શકતા નથી. એના માટે તમારે સળગતા પથ્થરો પર ચાલવું પડે છે, હજ્જારો ચીસોને છાતીમાં સંઘરી રાખવી પડે છે, મન પર ઉકળતું પાણી રેડાતું હોય ત્યારે ઉંહકારો પણ ભરી શકાતો નથી. ટુંકમાં જેને જાેઈને તમને એના જેવા બનવાનું મન થાય, એના જેવું કરવાનું મન થાય, જે તમારા ગૂંચવાયેલા રસ્તાઓ વચ્ચે એક નવો રસ્તો દોરી આપે, જે કયારેક તમારા માટે ગુગલ મેપ- કયારેક પૃથ્વીનો ગોળો તો કયારેક કાગળ પર દોરાયેલો નકશો બની શકે તો એને તમે ઈન્ફલુઅન્સર કરી શકો.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે બીજાના ફોલોઅર્સ જાેઈને અંજાઈ જતા દરેક એક વાત ખાસ સમજવાની છે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ અને લાઈક્સનું આંખેઆખુ બજાર ભરાતું હોય છે અને તમે મનચાહા દામમાં જાેઈએ એટલા ફોલોઅર્સ અને લાઈક્સ ખરીદી શકો છો.

‘થેન્ક યુ.. તમારા બધાના આશીર્વાદથી મારું ફેસબુક ૧ લાખ લાઈકસ પર પહોચી ગયું છે…! આવી પોસ્ટ વાંચો ત્યારે સૌથી પહેલાં જે તે વ્યક્તિની જેન્યુનિટી તપાસજાે કારણ કે બની શકે કે એમાં તમારા આશીર્વાદ કરતા એણે ખર્ચેલા પૈસાનો ફાળો વધુ હોઈ શકે.

સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિની પોતાની એક જુદી દુનિયા છે. આ દુનિયામાં એના પોતાના જી-હજુરિયાઓ છે, જે વાહ… કોંગ્રેચ્યુલેશન્સ… યુ આર ઓસમ.. હાવ બ્યુટીફુલ યુ આર… વગેરે વગેરેનો રોગ આલાપતા રહે છે. ભારોભાર દેખાડો અને મીડિયોક્રસીથી છલોછલ, ઓરિજિનાલિટી સાથે સ્નાન-સૂતકનો સંબંધ નહી ધરાવતી આ દુનિયા છે અને મને લાગી રહ્યું છે કે આ દુનિયા દિવસેને દિવસે વધુ ખતરનાક બનતી જાય છે.

આપણે પહેલા કલાસરૂમમાં કોમ્પિટિશન કરતા હતા, મારા માર્કસ મારી આગળની બેંચ પર બેઠેલી અપેક્ષા કરતાં ઓછા કેવી રીતે આવી શકે એવો સવાલ પરીક્ષાની વધુ તૈયારીઓ કરવા મજબુત કરી દેતો. હવે કોમ્પિટિશન બદલાઈ ગઈ છે. મારા ફોલોઅર્સ ફલાણાં- ઢીકણાં ભાઈ કે બહેન કરતા ઓછા કેવી રીતે હોય શકે એવો સવાલ લાઈકસ અને ફોલોઅર્સ ખરીદવા પર મજબુર કરી દે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર કેવી રીતે ફોલોઅર્સ અને લાઈક્સ વધારવી એનો એક સેમિનાર એટેન્ડ કર્યો. સેમિનારમાં જે ત્રણ સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર અને સોશિયલ મીડિયાના અલ્ગોરિધમનો અભ્યાસ કરેલા નિષ્ણાતોએ ત્રણ ફંડા આપ્યા… ઓરિજિનાલિટી, કન્ટેન્ટ અને ટાઈમિંગ.
એ સેમિનાર પછી મેં એ ત્રણેય જણનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યા. દોઢ લાખ, પચાસ હજાર, પંચોત્તેર હજાર ફોલોઅર્સ ધરાવતા ત્રણેયની પોસ્ટ પર માંડ દસ લાઈક્સ હતી, ન તો એકેય શેર હતા અને ન તો કોમેન્ટ !

તમારા ફોલોઅર્સ જેન્યુઈન છે કે તમે ખરીદેલા છે એનો એક લિટમસ ટેસ્ટ છે. જયારે તમારા હજ્જારો – લાખો ફોલોઅર્સ હોય ત્યારે તમારી પોસ્ટ પર ફોલોઅર્સની સંખ્યાની ઓછામાં ઓછી ૧ ટકા લાઈકસ તો હોવી જ જાેઈએ ! સોશિયલા મીડિયા પર એવા ઘણાં જેન્યુઈન ઈન્ફલુઅન્સર્સ પણ છે, જેમના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે કારણ કે એમની પાસે ઓરિજિનાલિટી છે, એમને લોકો ઓળખે છે, એમની કલાના લોકો ચાહક છે.. પણ એ સિવાયના લોકોથી દૂર રહેવું જાેઈએ. પોરબંદરના એક કલાકાર છે. નથુભાઈ ગરચર. એ રોજ સવારે દરિયા કિનારે જાય. ત્યાં રેતીમાંથી એક સ્કલ્પચર બનાવે અને પછી દરિયાના મોજાં અને સ્કલ્પચરને તાણી જાય એની રાહ જાેતા ઉભા રહે. કોઈએ એમને પૂછયું કે આમ દરિયાનું મોજું તાણી જ જવાનું હોય તો આમ સ્કલ્પચર બનાવીને સમય કેમ વેડફો છો ? ત્યારે નથુભાઈએ આપેલો જવાબ બહુ મજાનો હતો. એમણે કહેલું કે કલા તો આવી જ હોવી જાેઈએ ને.. તમે સર્જન કરી નાંખ્યુ પછી વાત પૂરી થઈ ગઈ ! નથુભાઈના ફેસબુક પર ઝાઝા ફોલોઅર્સ નથી પણ આખેઆખો દરિયો એમના સ્કલ્પચરનો ફોલોઅર ચોક્કસ છે.
મને લાગે છે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ સૌ કોઈએ ઓરિજિનાલિટી અને ફેક, આ બંને વચ્ચે ફર્ક કરતા એટલા માટે શીખી લેવું જાેઈએ કારણ કે ખોટા ડોકટર, ખોટા સાધુ-સંતો અને ખોટા દોસ્તો… આ ત્રણેયની સોબત નક્કામી છે. જેમની પાસે લાખ્ખોમાં ફોલોઅર્સ છે, એમના ફિલ્ડનાં જ સૌ-બસો લોકોને એમના વિશે પૂછો તો કદાચ એમને ઓળખનારા લોકોની સંખ્યા માંડ દસ-પંદર નીકળે એવું બની શકે !

આપણે આપણાં સંતાનોને એક ફેક અને છીછરું જ્ઞાન ધરાવતાં લોકોની વચ્ચે મૂકી દીધા છે કે હવે ઓરિજિનાલિટી, ક્રિએટિવિટી સાથે એમનો સંબંધ કપાઈ ના જાય એનું ધ્યાન પણ આપણે જ રાખવું પડશે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.