સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: માત્ર 40 દિવસમાં છુટાછેડા ન આપી શકાય
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટએ એક કિસ્સામાં મહત્વની સુનાવણી કરતાં કહ્યું છે કે લગ્ન બાદ સેટલ ડાઉન થવામાં સમય લાગે છે, ફક્ત 40 દિવસ બાદ જ છૂટાછેડા લેવાનો નિર્ણય ખોટો છે. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 અંતર્ગત એક લગ્નને રદ્દ કરવા માટે પોતાની સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરતા આ અત્યંત મહત્વનું તારણ રજૂ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થયેલા કિસ્સામાં પતિ-પત્ની અલગ થતા પહેલા ફક્ત 40 દિવસ માટે એક સાથે રહેતા હતા. ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ અને ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની ખંડપિઠે આશા વ્યક્ત કરી કે પતિ-પત્નીમાં સદબુદ્ધિ આવશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નવદંપત્તી ફક્ત 40 દિવસ માટે એક સાથે રહેતા હતા.
લગ્ન બાદ વ્યવસ્થિત થવામાં સમય લાગે છે. દંપત્તિએ વિવિધ મોરચાને લઈ લગ્ન તૂટવાનાં કારણ ટાક્યાં હતા. આ કિસ્સામાં પત્નીએ તેના સાસરીયા પક્ષ તરફથી દુવ્ર્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટના બાદ પતિએ તેને મુંબઈ મોકલી દીધી હતી અને તેની સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા હતા. પોતાના સાસરીયામાં પ્રવેશ કરવાનો ઈન્કાર કર્યાં બાદ પત્નીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પતિએ પણ છૂટાછેડાની અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
બીજી બાજુ પતિએ દાવો કર્યો હતો કે તેણે મધ્યસ્થતા સહિત લગ્નને લગતા વિવાદનો અંત લાવવા માટે અનેક પ્રયત્ન કર્યાં હતા. જોકે તેને કોઈ જ ફાયદો થયો નહીં. સુપ્રીમ કોર્ટે દંપત્તિની સ્થિતિ, આ હકીકતને ધ્યાનમાં રાખી કેસ ટ્રાન્સફર કરવાની અરજીને નકારી દીધી હતી.