BSF ગુજરાતે પાકિસ્તાની રેન્જર્સ અને મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતી સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ દાખવ્યુ સૌજન્ય
બંને દેશોના મુખ્ય તહેવારો અને પ્રસંગોએ સદ્ભાવના, સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે અચૂક થાય છે મીઠાઈની આપ-લે
29 જૂન 2023ના રોજ ઈદ ઉલ ઝુહા (બકરી ઈદ)ના અવસરે, BSFએ ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાન મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી.
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પણ આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બકરી ઈદ એ મોટા ઇસ્લામિક તહેવારો પૈકી એક છે અને ભારતભરના મુસ્લિમો તેની ઉજવણી કરતા હોય છે. ત્યારે સરહદ પર પણ દેશના દરેક તહેવારની જેમ આ તહેવાર નિમિતે પણ ભારતીય સુરક્ષા દળના જવાનોએ સૌજન્ય દાખવ્યું હતું.
ગુજરાતમાં સિરક્રીક અને જી પિલર લાઇન પર તદઉપરાંત રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, વર્ણહાર, કેલનોર અને સોમરાર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદો પર પાકિસ્તાની રેંજર્સ અને મરીન્સના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSF અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજાને શુભેચ્છા પાઠવી. ઉલ્લેખનીય છે કે બંને દેશોના મુખ્ય તહેવારો અને પ્રસંગોએ સદ્ભાવના, સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે મીઠાઈની આપ-લે અચૂક કરવામાં આવે છે.