Western Times News

Gujarati News

સયાજી હોસ્પિટલમાં અદ્યતન MRI મશીનનું પણ લોકાર્પણ : માત્ર બે હજાર રૂપિયામાં થશે MRI

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરાના આઉટગ્રોથ વિસ્તારોને રૂ. ૨૯૩ કરોડના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ

Ø  ગુજરાતમાં એક સમયે મેડિકલની માત્ર ૧૨૭૫ બેઠકો હતી, તેની સામે આજે ૭૫ મેડિકલ કોલેજોમાં ૬૯૫૦ જેટલી બેઠકો થઇ છે

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૪૩ કરોડના ૧૭ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૫૦ કરોડના ૬ વિકાસકાર્યોનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મહાનગરના આઉટ ગ્રોથ વિસ્તારમાં રૂ. ૨૯૩ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, સરકારી યોજનાઓના કેન્દ્રમાં વંચિતો અને ગરીબો રહેલા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના વડાપ્રધાન પદના નવ વર્ષના કાર્યકાળમાં સુશાસનના અર્થને સાર્થક કરી બતાવ્યો છે.

 

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો અને વંચિતોને લક્ષ્યમાં રાખીને સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓને મળે તે માટેના પ્રયત્નો કર્યા છે. સરકારી યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવાનો સંકલ્પ તેમણે આપ્યો છે અને તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ વધી રહી છે. રાજ્યમાં પણ આવી સરકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા શહેરના નાગરિકોની સુવિધા તથા સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે રૂ. ૨૪૩ કરોડના ૧૭ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૫૦ કરોડના ૬ વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા હતા.

ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં કાંસ, પંપ હાઉસ, ડ્રેનેજ નેટવર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના આવાસો, વરસાદી ગટરનું કામ, પાણીની નળીકાનું કામ, રસ્તાના રીસર્ફેસીંગના કામ સહિતના વિકાસના વિવિધ કામોનો સમાવેશ થાય છે.

જ્યારે લોકાર્પિત થયેલા વિકાસકાર્યોમાં કિશનવાડી ખાતે નવીન અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના બિલ્ડીંગ ઉપરાંત શહેરના નાગરિકો સંબંધિત ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવાના કામ, હરણી તેમજ દરજીપુરા વિસ્તારમાં પાણી વિતરણ નળિકાના નેટવર્કનું લોકાર્પણ (ફેઝ-૧), વેમાલી ખાતે ૧૩ એમ. એલ. ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સુશેન સર્કલથી જાંબુઆ ટાંકી સુધી એમ. એસ. ફીડર લાઈન સહિતના કામોનો સમાવેશ થાય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે, એમ કહેતા શ્રી પટેલે ઉમેર્યું કે, તેમણે દેશના ગરીબો, વંચિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું ભગિરથ કાર્ય કર્યું છે.

જેમ કે, આરોગ્ય વિષયક સેવાનો વિસ્તાર કરી ગરીબોને પણ આયુષ્યમાન કાર્ડ થકી ખાનગી દવાખાનાઓમાં સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જે આરોગ્ય સેવાઓ શહેરમાં મળે છે, તેવી તાલુકા મથકે પણ મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે.

ઉક્ત બાબતમાં મુખ્યમંત્રીશ્રીએ એમ કહ્યું કે, નાગરિકોને બહેતર આરોગ્ય સુવિધાઓ મળે એ માટે હવે તાલુકા મથકોએ પણ ડાયાલિસીસની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં તબીબી શિક્ષણનો પણ વ્યાપ વધારવામાં આવ્યો છે. ગુજરાતમાં એક સમયે મેડિકલની માત્ર ૧૨૭૫ બેઠકો હતી, તેની સામે આજે ૭૫ મેડિકલ કોલેજોમાં ૬૯૫૦ જેટલી બેઠકો થઇ છે. જેનાથી ગુજરાતમાં તબીબી સેવામાં માનવ સંસાધનનું સંખ્યા બળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશીપણાના પરિણામે સમગ્રે દેશે વિકાસની એક નહી રાહ લીધી છે. ભારતમાં સેમિકન્ડક્ટરનું નિર્માણ થાય એ માટે દાયકાઓથી પ્રયત્નો થતાં હતા. પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ દિશામાં નક્કર કામગીરી કરતા હવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાવા જઇ રહ્યો છે.

ડબલ એન્જીનની સરકારનો લાભ ગુજરાતને મળ્યો છે. વિકાસના પથમાં કોઇ કચાશ ન રહી જાય એ બાબતની દરકાર એમણે કરી છે. તેમણે હવે ડિજિટલ ઈન્ડિયા હેઠળ પ્રજાને ઘર બેઠા સરકારી યોજનાઓનો લાભ સરળતા અને સુગમતાથી મળતો હોવાનું જણાવ્યું હતું

મેયરશ્રી નિલેશભાઈ રાઠોડે મહાનુભાવો સહિત સૌનું સ્વાગત કરતા લોકાર્પિત અને ખાતમુહૂર્ત થનારા વિકાસના વિવિધ પ્રકલ્પોની જાણકારી આપી હતી. વડોદરા શહેર અને આઉટગ્રોથ વિસ્તારમાં થતા ચોતરફ વિકાસ થકી વડોદરાના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત વડોદરાના તમામ નાગરિકોને સ્પર્શે તેવા વિકાસકાર્યોનો વડોદરા શહેરને ખૂબ ફાયદો થશે તેવું જણાવી તેમણે જનસુખાકારી માટે સરકારશ્રી અને વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લએ આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની સતત ચિંતા કરતા હોવાનું જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડા સામે ‘ઝીરો કેઝ્યુલિટી’ના સંકલ્પ સાથે સરકાર અને સરકારી તંત્રની સજ્જતા અને સતર્કતા બદલ તેમણે અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

વડોદરાને વિકાસનું નવું સોપાન મળ્યું છે, તેમ કહી સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે વડોદરાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વડોદરાએ જે માગ્યું છે તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આપ્યું છે. ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે.

દરેક કામ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડોદરાના પ્રવાસના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ સયાજી હોસ્પિટલમાં રૂ. ૯.૩૭ કરોડની કિંમતના અદ્યતન એમ. આર. આઇ. મશીનનું લોકાર્પણ કર્યું હતું. આ મશીન દ્વારા અકસ્માત અથવા અન્ય રોગમાં એમઆરઆઇની જરૂર વાળા દર્દીઓને બહાર કરતા એકદમ નહીવત્ દરે રિપોર્ટ કાઢી આપવામાં આવશે. અદ્યતન મશીનમાં માથાથી લઈ પગના અંગૂઠા સુધીનું એમઆરઆઇ થશે.

તાજેતરમાં એવરેસ્ટ સર કરનારી વડોદરાની દીકરી નિશા કુમારીનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી શૈલેષભાઈ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, અગ્રણી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, ડો. વિજય શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે સહિતના અગ્રણીઓ-પદાધિકારીઓ, મનપા કમિશનરશ્રી દિલીપ રાણા, ઉચ્ચ અધિકારીશ્રીઓ, આયુષ્માન યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.