Western Times News

Gujarati News

વિશ્વના 40 દેશોના 60 શહેરોના 130 જેટલા પ્રતિનિધિઓ અર્બન 20(U20) સમિટમાં ભાગ લેશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મેયરલ મીટનું કરશે ઉદ્ધાટન-આવાસ તથા શહેરી બાબતોના રાજયકક્ષાના મંત્રી શ્રી કૌશલ કિશોર વિશેષ ઉપસ્થિત રહેશે

અમદાવાદ ખાતે G20 ના અર્બન 20(U 20) જૂથની મેયરલ સમિટ અંગેની બેઠક 7-8 જુલાઈએ યોજાશે

આગામી 7 જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આવાસ અને શહેરી બાબતોના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી કૌશલ કિશોર દ્વારા મેયરલ મીટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સાથે શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર શહેરીજનો વતી પધારેલા પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. આ ઉપરાંત શ્રી અભય ઠાકુર, G20 ના સૂસ શેરપા અને શ્રી મનોજ જોષી, સચિવ, MoHJA ભારતની વિકાસ યાત્રા પર તેમના દ્રષ્ટિકોણ શેર કરશે.

આગામી 7 અને 8 જુલાઈના રોજ અમદાવાદ ખાતે સમગ્ર વિશ્વના 57 જેટલા શહેરો અને ભારતના 35 શહેરોના પ્રતિનિધિઓ અને સહભાગીઓ G20 હેઠળના એન્ગેજમેન્ટ જૂથ અર્બન 20ના છઠ્ઠા ચક્રની મેયરલ સમિટ માટે પધારશે.

આ સમિટમાં શહેરમાં મેયર, ડેપ્યુટી મેયર અને અધિકારીઓ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓ સહિત 500થી વધુ સહભાગીઓ સાથે, આ અત્યાર સુધીની સૌથી મોટી U20 સમિટમાંની એક સમિટ બનવા માટે તૈયાર છે.

U20 સમિટ માટે શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ પાછળ 5000 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ગાર્ડન તૈયાર કરવામાં આવશે જેનું નામ ‘U20 ગાર્ડન’ આપવામાં આવશે. આ ગાર્ડનમાં વિવિધ દેશોમાંથી પધારેલા મેયરોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

આ સમિટ દરમિયાન 6 જેટલી U20 અગ્રતા ક્ષેત્રો પર થીમ આધારિત સત્રોનું આયોજન કરવામાં આવશે.

આ મેયરલ સમિટ દરમિયાન પધારેલ પ્રતિનિધિઓ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ત્યારબાદ આમંત્રિત મહેમાનો અમદાવાદમાં હેરિટેજ વોક પણ કરશે. તથા સાબરમતી આશ્રમની મુલાકાત પણ લેશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, રિવર ક્રુઝ સહિત અનેક આકર્ષણોની પણ મુલાકાત લેશે.

બે દિવસ સુધી ચાલનારી આ મેયરલ સમિટમાં G20 શેરપા શ્રી અમિતાભ કાંત અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહેશે. સમિટના અંતે U20 ચર્ચાના પરિણામ સ્વરૂપ દસ્તાવેજ ‘કોમ્યુનિક’ ઉપસ્થિત મહાનુભાવોને સોંપવામાં આવશે.

આ અંગે શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર જણાવે છે કે, અમદાવાદ શહેરમાં U20 સમિટનું આયોજન કરાયું છે ત્યારે સમગ્ર શહેરીજનો વતી હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વના 40 દેશોમાંથી પધારેલા મહાનુભાવો અમદાવાદના વિવિધ આકર્ષણોની મુલાકાત લેશે.

આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ.થેન્નારસન જણાવે છે કે, અમદાવાદ શહેરમાં U20 સમિટનું આયોજન એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.