Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ યુવકના પગ ધોઈ માફી માંગી

કથિત ભાજપ નેતા પ્રવેશ શુક્લાએ આદિવાસી યુવક પર પેશાબ કર્યો હતો. તેનો વીડિયો સામે આવ્યા બાદ તેના વિરુદ્ધ કાર્યવાહીની માગ થઈ રહી હતી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, અમે એવી કાર્યવાહી કરીશું જે સમગ્ર રાજ્ય માટે અલગ ઉદાહરણ બનશે. હવે પ્રવેશ શુક્લા પર તાબડતોડ કાર્યવાહી થઈ રહી છે.

 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલના સીએમ હાઉસમાં દશમત રાવતને મળ્યા અને તેમના પગ ધોયા. સીધીના વાયરલ વીડિયોમાં આરોપી પ્રવેશ શુક્લા રાવત પર પેશાબ કરતો જોવા મળ્યો હતો.

શિવરાજસિંહે તેમને કહ્યું, “…તે વીડિયો જોઈને મને દુઃખ થયું. હું તમારી માફી માંગુ છું. લોકો મારા માટે ભગવાન સમાન છે….”

યુવક ઉપર પેશાબ કરનારા પ્રવેશ શુકલા પર આકરી કાર્યવાહી થઈ છે. NSA અંતર્ગત પ્રવેશ શુક્લા પર કાર્યવાહી થઈ રહી છે. તો વળી હવે તેના કુબરીમાં આવેલા ઘર પર બુલડોઝર ચાલ્યું છે. પ્રશાસને તેના ઘરના અતિક્રમણવાળા ભાગને તોડી પાડ્યો છે.

સરકાર તરફથી કહેવાય છે કે, પ્રવેશ શુક્લા વિરુદ્ધ જે કાર્યવાહી થશે, જે આખા રાજ્ય માટે દાખલારુપ બનશે. તેની સાથે જ ભાજપે આ મામલે એક તપાસ કમિટી બનાવી દીધી છે. જે આ મામલાની તપાસ કરશે.

પ્રશાસન પાસેથી નિર્દેશ મળ્યા બાદ મોટી સંખ્યામાં અધિકારીઓ પ્રવેશ શુક્લાના ગામમાં પહોંચ્યા હતા. ત્યાં તેના ઘરને બુલડોઝરથી તોડી પાડ્યું હતું. તેની સાથે જ તેના પર એનએસએ લગાવ્યો છે. પ્રવેશ શુક્લાની ધરપકડ બાદ પોલીસ ચોકીમાં અધિકારીઓએ પુછપરછ કરી હતી.

કહેવાય છે કે, આ વીડિયો દોઢ બે વર્ષ જૂનો છે. વીડિયો સામે આવ્યા બાદ પ્રવેશ શુક્લા પર બુલડોઝર કાર્યવાહીની માગ થઈ રહી હતી. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું કહેવું હતું કે, આરોપીના ઘર પર બુલડોઝર ચાલશે. અતિક્રમિત ભાગને ચિન્હિત કરીને ઘરને તોડી પાડવામાં આવ્યું છે.

તો વળી આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ એક તપાસ કમિટી પણ બનાવી છે. રાજ્ય કોલ જનજાતિ વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ રામલાલ રૌતેલને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે. સભ્ય તરીકે ધારાસભ્ય શરદ કોલ, ધારાસભ્ય અમર સિંહ અને પ્રદેશ ઉપાધ્યક્ષ કાંતદેવ સિંહ છે. આ કમિટી મામલાની તપાસ કરી ત્વરિત રિપોર્ટ સોંપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.