Western Times News

Gujarati News

૪૫ વર્ષ પછી યમુના નદીનું પાણી તાજમહેલની દીવાલ સુધી પહોંચ્યું

કૂલ્લુના કાઈસ ગામમાં આભ ફાટતા એકાએક પૂર આવ્યું

(એજન્સી)નવી દિલ્હી, ઉત્તર ભારતમાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓના જળસ્તર વધવાને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ પર્વતોમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ. ૪૫ વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું હતું.

દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર નીચે આવ્યું છે, પરંતુ તે હજુ પણ ખતરાના નિશાન (૨૦૫.૩૩ મીટર)થી ઉપર વહી રહ્યું છે. ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર ૧૩ વર્ષ પછી પીળા નિશાનથી ઉપર છે. બ્રજઘાટમાં ગંગાનું પાણી આરતી સ્થળની નજીકના સીડીઓ પાસે પહોંચી ગયું છે.

હિમાચલ પ્રદેશમાં પણ રવિવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ વાદળ ફાટવા અને અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

દિલ્હીમાં પણ ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે. કૂલ્લુના કાઈસ ગામમાં આભ ફાટવાની ઘટનાથી ફરી એકાએક પૂર આવી ગયું હતું. અહીં એકનું મોત નીપજ્યું જ્યારે બે ઘવાયા હતા. આભ ફાટવાની ઘટનાને લીધે અનેક દુકાનો વહી ગઈ હતી. ડે.કમિશનર આશુતોષ ગર્ગે કહ્યું કે લગભગ રાતે ત્રણ વાગ્યે કાઈસ ક્ષેત્રની નજીક આભ ફાટવાની માહિતી મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.