મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં કન્જક્ટિવાઈટિસના કેસ વધ્યા
(એજન્સી) અમદાવાદ, તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર ઠેર કન્જક્ટિવાઈટિસના કેસ જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા ર૪ કલાકમાં કન્જક્ટિવાઈટિસના ર૬૩ કેસ નોંધાયા છે.
ખાનગી શાળાઓમાં તો આ કેસના મામલે વિદ્યાર્થીને તરત જ ઘેર મોકલી દેવાય છે અને હવે મ્યુનિસિપલ શાળાઓમાં પણ આ રોગે ફેલાવો કર્યો હોઈ તંત્ર પણ સાવધ બન્યું છે.
અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઈટિસના કેસમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. વિવિધ હોસ્પિટલની ઓપીડીમાં દર દસમાંથી સાતથી આઠ કેસ કન્જક્ટિવાઈટિસ એટલે કે ‘અખિયાં મિલાકે’ના આવી રહ્યા છે.
દરમિયાન, અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળે મ્યુનિ. શાળાઓમાં અખિયાં મિલાકેનો ચેપ ફેલાયો હોઈ આ ચેપનો ભોગ બનેલાં બાળકોને શાળામાં બે દિવસ રજા આપવાની માગણી કરી છે. આ ઉપરાંત કન્જક્ટિવાઈટિસનો ભોગ બનેલા શિક્ષકોને પણ ઓન ડ્યૂટી ગણી બે દિવસની રજા આપવા બાબતે માગણી કરાઈ છે.
પ્રમુખ મનોજ પટેલે આ અંગે મ્યુનિ. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી. દેસાઈને પત્ર લખ્યો છે. આ દરમિયાન આ અંગે મ્યુનિ. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી. દેસાઈને પૂછતાં તેઓ કહે છે, ‘અખિયાં મિલાકે’ના રોગગ્રસ્ત બાળકોને તત્કાળ ઘરે મોકલી દેવાની સૂચના શિક્ષકોને અપાઈ છે.