૩૫ હજારથી વધુ સ્વયંસવકો ખડેપગે સેવા બજાવશે વડતાલ હિંડોળા મહોત્સવમાં
વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો
(પ્રતિનિધિ)નડિયાદ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનું ઉદ્દઘાટન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મંદિરના કોઠારી ડૉ. સંતસ્વામી તથા ગોવિંદસ્વામી સહિત વડીલ સંતોના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંતસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપક્રમે વડતાલ મંદિર પરિસરમાં ૨૨ હજાર ચોરસ ફુટ જગ્યામાં ઉભા કરાયેલા બે વિશાળ મંડપમાં તા.૨૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ભવ્યાતિભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
૪૫ દિવસ સુધી ચાલનારા આ હિંડોળા મહોત્સવમાં ઓરિસ્સા,રાજસ્થાન તથા ગુજરાતના ૪૫ કારીગરોએ રાત દિવસ મહેનત કરી ઉત્સવકલાને આખરી ઓપ આપ્યો છે. ચાલુ વર્ષે વ્રતપુરી તીર્થ દર્શને વણી લેવામાં આવ્યું છે તથા વડતાલ જ્ઞાનબાગમાં રંગોત્સવ દરમ્યાન શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કરેલ બાર બારણાના હિંડોળે ઝુલતા શ્રીહરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
૪૫ દિવસીય ચાલનારા ઉત્સવમાં ૧૦૦ ગામોના ૩૫ હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા બજાવશે. ગત્ વર્ષે ૧.૪૮ લાખ હરિભક્તોએ હિંડોળા દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર હિંડોળા મહોત્સવનું સંચાલન શ્યામસ્વામી કરી રહ્યા છે.