આ જિલ્લામાં ટામેટાંના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં અડધા થયા
ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ હરખાઈ-ત્રણ દિવસ પહેલા જથ્થાબંધમાં ૧૪૦ રૂપિયે વેચાતા ટામેટાનો ભાવ ૮૦ રૂપિયા થયો છે.
મોડાસા, કેટલાય સમયથી ટામેટાના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા હતા જાેકે અરવલ્લી જિલ્લાના શાકભાજી બજારોમાં લાલ ટામેટાના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં અડધા જેટલા થઈ જતા ગૃહિણીઓ હરખાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવમાં ભડકો થયો હોય તેમ ર૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા.
જાેકે ત્રણ દિવસ પહેલા જથ્થાબંધમાં ૧૪૦ રૂપિયે વેચાતા ટામેટાનો ભાવ ૮૦ રૂપિયા થયો છે. જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ૭૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. જયારે રીટેલ બજારમાં ટામેટાના ભાવ ૧૮૦થી ઘટીને ૧ર૦-૧૦૦ રૂપિયા સુધી ચાલી રહયા છે. બજારમાં ટામેટાની આવક વધતાં ભાવ ઘટી રહ્યા છે.
બજારોમાં પણ ટામેટાના ભાવ ઘટી રહ્યા છે. હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટામેટા આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રથી ટામેટાની આવક વધવાના કારણે આ અસર જાેવા મળી રહી હોવાનું મોડાસા માર્કેટયાર્ડમાં શાકભાજીનો હોલસેલ વેપાર કરતા વેપારી પીયૂષ પટેલે જણાવ્યું હતું.
મહત્વનું છે કેમ, ચોમાસાના આગમન સાથે અરવલ્લી સહિત અન્ય વિસ્તારોમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. માત્ર અરવલ્લી જિલ્લામાં જૂનના ત્રીજા સપ્તાહ સુધી પ૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટાના ભાવ જુલાઈમાં ર૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા જેના કારણે સામાન્ય માણસ માટે ટામેટા ખરીદવા શકય ન હતા.