Western Times News

Gujarati News

મ્યુનિ.કમિશ્નરે વાણી સંયમ ગુમાવ્યો: ભાજપના કોર્પાેરેટરને અપશબ્દો કહ્યાં

file

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કમિશ્નર અને સત્તાધીશો વચ્ચે ઘણાં સમયથી ચાલી રહેલ શીત યુદ્ધ આજે ખુલ્લેઆમ બહાર આવ્યું છે. નવા પશ્ચિમ ઝોનની ઓફિસમાં મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને વેજલપુરના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીનાં કોર્પાેરેટરોએ પડતર કામો અને રોડ-રસ્તા અંગે રજૂઆત કરતાં મ્યુનિ.કમિશ્નરે વાણી સંયમ ગુમાવ્યો હતો તથા ભાજપના એક સિનિયર કોર્પાેરેટરને અપશબ્દો કહી વોકઆઉટ કર્યાે હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મ્યુનિ. શાસક પક્ષના નેતા અમિત શાહના જણાવ્યા મુજબ જાધપુર વોર્ડમાં રોડના કામો માટે પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ તથા વોટર સપ્લાય ચેરમેન રશ્મીકાંતભાઈ શાહે રજૂઆત કરી હતી. તે સમયે કમિશ્નરે પ્રાયોરીટીના રોડનું લીસ્ટ આપવા જણાવ્યું હતું જેના જવાબમાં રશ્મીકાંતભાઈએ પ્રાયોરીટી લિસ્ટ દિવાળી પહેલાં જ મેયરને આપ્યું છે તેમજ ૨૦૧૭થી મંજૂર થયેલાં ૨૦થી ૨૫ જેટલાં રોડના કામો હજી સુધી થયાં નથી. તેમની સાથે વેજલપુરના કોર્પાેરેટર દિલીપભાઈ વઘડિયાએ પણ સૂર પુરાવ્યો હતો તથા બે-બે વર્ષથી પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા જાઈએ. પ્રજાને અમારે જવાબ આપવાનું છે તેમ કહ્યું હતું. તેથી કોર્પોરેટરોએ રોડ-રસ્તાના કામો ન થતા હોવાની રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરને સ્ટુપિડ કહી દીધું હતું. જ્યારે કોર્પોરેટરોએ કહ્યું કે પ્રજાના પ્રશ્નો લઈને ગયા હોવા છતાં કમિશનર સાંભળતાં નથી.

૨૦૧૭થી રોડના કામ સરખા ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતભાઈએ લિસ્ટ બતાવતા કમિશનર ઉગ્ર બની ગયા હતા. તેમજ બગડીયાને સ્ટુપિડ કહેતા કોર્પોરેટરો પણ ઉગ્ર બની ગયા હતાં. તેથી મ્યુનિ.કમિશ્નર અને અધિકારીઓ મીટીંગ છોડીને ચાલ્યા ગયાં હતા.

આ અંગે એએમસીમાં શાસક પક્ષના નેતા અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેટરો ૨૦૧૭થી રોડ ન બની રહ્યા હોવા અંગે રજૂઆત કરી રહ્યા હતા. અમે ૨૦૧૭માં વોર્ડ સમિતિમાં લખીને આપેલા છે એ રોડ નથી થયા, સ્વભાવિક છે કે બે વર્ષથી રોડ ન થાય એટલે કોર્પોરેટરોનો આક્રોશ હોય તે માની શકાય તેમ છે.

ભાજપના કોર્પાેરેટરોની બધી જ માંગણી કોર્પોરેશનના અને પ્રજાના કામોની હતી. બબાલ થાય એવી કોઈ માંગણી નહોતી. એમાં કમિશનરે અકળાવાની જરૂર નહોતી. જેટમાં તો અમે ફરિયાદ કરીને છોડી દઈએ છીએ. પરંતુ રોડ ન બને તો છ મહિનામાં તો વરસાદ પડશે ક્યાં કશું કામ થવાનું? પાછી ચૂંટણી આવે છે. તમે ચૂંટણીના વર્ષમાં બજેટ પડી રહ્યું છે અને કામ નથી થઈ રહ્યું એટલે કોર્પોરેટરો તો ઉઘરાણી કરેને, કોર્પોરેટરોની ઉઘરાણી તો વ્યાજબી હતી. પરંતુ કમિશનર ખોટા ગરમ થઈ ગયા હતા તથા નિષ્ફળતા છુપાવવા માટે મીટીંગ છોડીને ચાલ્યા ગયાં હતા. મ્યુનિ.કમિશ્નરના આ પ્રકારનાં વર્તનથી નારાજ ભાજપના ૨૨ જેટલાં કોર્પાેરેટરો પક્ષનાં મોભી સુરેન્દ્રભાઈ પટેલને મળ્યાં હતાં તથા મીટીંગમાં બનેલી તમામ ઘટનાથી વાકેફ કર્યા હતાં. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ.કમિશ્નર સામે જ્યારે પણ સાચી રજૂઆત થતી હોય છે. ત્યારે તેઓ વોકઆઉટનો શ† અજમાવે છે. થોડા સમય પહેલાં જનમાર્ગની બેઠકમાં મ્યુનિ.ટ્રાન્સપોર્ટ ચેરમેન અતુલ ભાવસારે ઈલેક્ટ્રીક બસો માટે રજૂઆત કરી હતી. ત્યારે પણ કમિશ્નર મીટીંગ છોડીને નીકળી ગયા હતાં. મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માની આક્રમક અને સચોટ રજૂઆતો સામે યોગ્ય કાર્યવાહી કરવાનાં બદલે બોર્ડ પૂર્ણ થયા બાદ તેઓ મામલો રફેદફે કરવા પ્રયાસ કરતાં હોય છે. નવા પશ્ચિમ ઝોનની બેઠકમાં જે કંઈ ઘટના બની તેને પણ રફેદફે કરવામાં આવી શકે છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.