મેઘમહેરને કારણે ખેતરમાં ઉભા પાકને નવુ જીવતદાન મળ્યું
રાજ્યમાં મેઘરાજાની મહેર થતા જગતનો તાત ખુશ
અમદાવાદ, રાજ્યમાં ગુરુવારે જનમાષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઇ. આ સાથે વરસાદે પણ અનેક જગ્યાએ પોતાની મહેર વરસાવી. અમદાવાદમાં પણ ગુરૂવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
જનમાષ્ટમીના દિવસે વરસાદ વરસવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.
આગામી ૪૮ કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામ અને આજુબાજુ ગામમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઇ હતી.
દિવસભરના ઉકળાટ અને અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે. મોડી રાત્રે પણ વાપી સહિત સમગ્ર વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. આમ બે દિવસથી વરસાદની હેલીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ ૨ થી ૩ ઇંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીમાં રાત દરમિયાન મેઘરાજાએ પણ જાણે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે હાજરી નોંધાવી હતી.
અરવલ્લીના શામળાજીમાં મેઘરાજાએ મહેર કરી હતી અને અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન અર્થે ઉમટ્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જન્માષ્ટમીની ઉજવણી સમયે જ વરસાદ થયો હતો. વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી હતી અને જનમાષ્ટમીનો ઉત્સાહ બેવડાયો હતો. નર્મદાના રાજપીપલામાં પણ વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમીની ઉજવણી સમયે જ વરસાદ થયો. જેથી ભક્તોએ મેઘમહેર વચ્ચે ઉજવણી કરી હતી.
રાજપીપલા શહેરમાં અનેક જગ્યાએ કૃષ્ણ ઉત્સવ દરમિયાન વરસાદ થતા લોકોમાં ઉત્સાહ વધ્યો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસોથી વરસાદે વિરામ લીધો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન બફારો અને ઉકળાટ બાદ સાંજના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.
ડાંગ જિલ્લામાં હવામાન વિભગાની આગાહી અનુસાર વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા દસ કલાકમાં નોંધાયો ૫૬ એમએમ વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લાના ચાર માર્ગો અવરોધાયા છે. દરમિયાન અમદાવાદમાં આજે સાંજે વરસાદી માહોલ છવાયો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદનું ભારે ઝાપટું પડ્યું હતું.