Western Times News

Gujarati News

હાટકેશ્વર બ્રીજના મુખ્ય બે સહિત કુલ ૮ સ્પાન તોડવામાં આવશે

જુના કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રા. પાસેથી ખર્ચ વસુલ થાય તેવી શક્યતા નહીંવત

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટી માટે શીરદર્દ સમાન બનેલા હાટકેશ્વર બ્રીજને ફરીથી તોડી નવો બનાવવા માટે નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશને અલગ અલગ સંસ્થાઓ અને ટેકનીકલ નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવ્યા બાદ બ્રીજના કુલ ૮ સ્પાન તોડવા નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત બ્રીજના સોલીડ સ્લેબ માટે રેટ્રો ફીટીંગની જાેગવાઈ પણ રાખી છે. મ્યુનિસિપલ કમિશ્નરે બ્રીજના કોન્ટ્રાકટરના ખર્ચ અને જાેખમે નવેસરથી કામગીરી કરવા માટે જે જાહેરાત કરી હતી તે હાલ પુરતી ખોટી સાબિત થાય તેમ છે. વિપક્ષ કોંગ્રેસે સમગ્ર બ્રિજ જમીન દોસ્ત કરી નવેસરથી બનાવવા માંગણી કરી છે.

શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ફલાય ઓવરની નબળી કામગીરી જાહેર થયા બાદ મનપા દ્વારા તેના પરથી અવરજવર સદંતર બંધ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરે આ અંગે વિજીલન્સ તપાસ કરાવી ઈજનેર વિભાગના કર્મચારી, બ્રીજ કોન્ટ્રાકટર અને પ્રોજેકટ કન્સલ્ટ્રન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

જેના પગલે આ તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ હતી. મ્યુનિ. કમિશ્નરે તે સમયે બ્રીજ તોડી પાડી તેના સ્થાને નવો બ્રીજ કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રા.ના ખર્ચે અને જાેખમે બનાવવા જાહેરાત કરી હતી પરંતુ કમિશ્નરને આ જાહેરાત માત્ર પેપર પુરતી જ સીમિત રહી હોય તેમ લાગી રહયું છે. મ્યુનિ. બ્રીજ પ્રોજેકટ વિભાગ દ્વારા બ્રીજ માટે નવેસરથી ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા છે જે આગામી એક બે દિવસમાં ઓનલાઈન અપલોડ કરવામાં આવશે.

ઈજનેર વિભાગ તૈયાર કરવામાં આવેલ ટેન્ડર મુજબ બ્રીજના ૪પ મીટરના બે સ્પાન અને ૩૩ મીટરના અન્ય ૬ સ્પાન મળી કુલ ૮ સ્પાન તોડવામાં આવશે. આ ઉપરાંત અત્યાર સુધી બ્રીજના જે પણ ટેસ્ટીગ કરવામાં આવ્યા છે તેના રિપોર્ટ અને રૂરકી સહિત તમામ ટેકનીકલ સંસ્થા/નિષ્ણાંતોના અભિપ્રાય પણ ટેન્ડરની સાથે જ અપલોડ કરવામાં આવશે

જેના કારણે જે પણ કોન્ટ્રાકટર બ્રીજ બનાવવા તૈયારી દર્શાવશે તે તમામ બાબતથી માહિતગાર રહેશે. નવા ટેન્ડરમાં૧૦ વર્ષની ડીએલપી રાખવામાં આવી છે જયારે તેના એસઓઆર જુના ટેન્ડર મુજબ જ રાખવામાં આવ્યા હોવાથી નવું ટેન્ડર ઉંચા ભાવે મંજુર થાય તેવી શક્યતા પણ જાેવામાં આવે છે.

ઈજનેર વિભાગ દ્વારા ટેન્ડરમાં એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે પાઈલ, પાઈલ કેપ અને અન્ય સોલીડ સ્લેબ સ્પાનમાં જરૂરિયાત મુજબ રીટ્રો ફીટીંગ પણ કરવામાં આવશે. બ્રીજના જુના કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રા. પાસેથી હાલ પુરતી કોઈપણ રકમ મળે તેવી શકયતા નહીંવત છે.

નિષ્ણાંતોના મંતવ્ય મુજબ અજય ઈન્ફ્રા. પાસેથી ખર્ચ વસુલ કરવા માટે એક માત્ર આરબીસ્ટ્રેશનનો સહારો રહેશે. સામાન્ય રીતે કોઈપણ કોન્ટ્રાકટર પાસેથી વધુમાં વધુ ૧૦ટકા સુધીની પેનલ્ટી વસુલ થાય તેવી ટેન્ડર શરતો રાખવામાં આવતી હોય છે. જાેકે હાટકેશ્વરબ્રીજના જુના ટેન્ડરમાં કઈ શરત રાખવામાં આવી હતી તે બાબત હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે નવા ટેન્ડરનો વિરોધ કરતા જણાવ્યું હતું કે મ્યુનિ. કમિશ્નર તથા સત્તાધારી પાર્ટી દ્વારા બ્રીજ આખો તોડી ફરીથી નવો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જયારે નવા ટેન્ડરમાં કંઈક અલગ જ જાહેરાત કરવામાં આવી છે. તેથી તે અંગે મંગળવારે મેયર અને કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.