નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નગરજનો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે ૨ વાગ્યા સુધી શરૂ રહેશે. આ અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી છે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે ૬ઃ૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન કાર્યરત છે.
સવારે ૬ઃ૨૦થી સવારે ૭ વાગ્યા સુધી ૨૦ મિનિટનાં અંતરાલ પર તથા સવારે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત ૧૨ મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. નવરાત્રિ ઉત્સવની ઉજવણીનાં અવસર પર મેટ્રો ટ્રેન તારીખ ૧૭-૧૦-૨૦૨૩ થી ૨૩-૧૦-૨૦૨૩ સુધી સવારે ૬ઃ૨૦થી રાત્રિના ૨ વાગ્યા સુધી શરૂ રહેશે.
તારીખ ૧૭-૧૦-૨૦૨૩ થી ૨૩-૧૦-૨૦૨૩ સુધી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬ઃ૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તેમજ રાત્રિના ૧૦ કલાકથી મધ્યરાત્રીના ૨ વાગ્યાસુધી દરેક મેટ્રો સ્ટેશન થી ૨૦ મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે.બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય રાત્રિના ૨ વાગ્યાનો રહેશે.