Western Times News

Gujarati News

કરમસદની પાસેથી 15 કિલોગ્રામ ગાંજા સાથે ધારીના બે શખ્સો ઝડપાયા

(એજન્સી)આણંદ, આણંદ એસઓજી પોલીસે ગઈકાલે બપોરના સુમારે કરમસદ ગામની બળિયાદેવ ચોકડી પાસે વોચ ગોઠવીને ૧૫.૬૩૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે અમરેલી જિલ્લાના ધારીના બે શખ્સોને ઝડપી પાડીને કુલ છ શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને પકડાયેલા શખ્સોના બે દિવસના રીમાન્ડ પર મેળવીને તપાસ હાથ ધરી છે. જે દરમ્યાન ગાંજાની હેરાફેરી અને વેચાણની કેટલીક વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે. Two persons from Dhari were arrested with 15 kg ganja from Karamsad

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, બે શખ્સો ગાંજાની ડિલીવરી આપવા માટે કરમસદની બળિયાદેવ ચોકડીએ આવવાના છે. જેથી પોલીસની જુદી-જુદી ટીમો ખાનગી રીતે બળિયાદેવ ચોકડી અને તેની આસપાસ ગોઠવાઈ ગઈ હતી.

દરમ્યાન બે શખ્સો હાથમાં ભુરા તેમજ મરૂન કલરની બેગો લઈને કરમસદ ગામ તરફથી બળિયાદેવ ચોકડી તરફ આવતા દેખાયા હતા. જેથી પોલીસે તેઓને શંકાને આધારે કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને બેગોની તલાશી લેતા અંદરથી ગાંજા જેવી વાશ મારતો પદાર્થ મળી આવ્યો હતો.

જેથી બન્નેને અટકમાં લઈને વિદ્યાનગર પોલીસ મથકે આવ્યા હતા. જ્યાં પકડાયેલો પદાર્થ ખરેખર ગાંજાે જ છે કે કેમ તેની ખાતરી કરવા માટે એફએસએલને જાણ કરતા તેઓ નાર્કોકીટ સાથે આવી પહોંચ્યા હતા અને પકડાયેલા પદાર્થનું પૃત્થકરણ કરીને તે ગાંજાે જ હોવાનું જણાવ્યું હતુ.

પોલીસે તેનું વજન કરતા કુલ ૧૫.૬૩૫ કિલોગ્રામ જેટલુ થવા પામ્યું હતુ.જેની કિંમત૧,૫૬,૩૫૦ રૂપિયા જેટલી થવા જાય છે. બન્ને શખ્સોના નામઠામ પુછતાં દિનેશભાઈ દુર્ભજીભાઈ રૂડાણી (રે. લાઈનપરા, ધારી, અમરેલી)અને જતીન રમેશચન્દ્ર દેવમુરારી (રે. શિવનગર સોસાયટી, ધારી,અમરેલી)ના હોવાનું જણાવ્યું હતુ.

તેમની અંગજડતીમાંથી રોકડા ૧૦ હજાર તેમજ ચાર મોબાઈલ ફોન મળી આવતાં તેની સાથે પોલીસે કુલ ૧,૮૪,૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વિદ્યાનગર પોલીસ મથકે એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ તપાસ વિદ્યાનગર પીઆઈને સોંપવામાં આવી હતી.

પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતે રહેતા રમેશ નામના શખ્સનો સંપર્ક કરીને મંગાવ્યો હતો. રમેશનો માણસ સુરતથી આ ગાંજાનો જથ્થો લઈને કોઈ વાહન મારફતે તારાપુર ચોકડીએ આવ્યો હતો. જ્યાં ઉક્ત બન્નેને ગાંજાની ડીલીવરી આપીને ત્યાંથી પરત જતો રહ્યો હતો.

બન્ને શખ્સો ઉક્ત ગાંજાનો જથ્થો આણંદ ખાતે રહેતા નજીરભાઈ અને મીસાભાઈને આપવા માટે કરમસદની બળિયાદેવ ચોકડીએ આવ્યા હોવાની કબુલાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.